આણંદ, તા.૪ 

વાસદ ટોલનાકાએથી ગઈકાલે સોડા બનાવવાના પાવડરના બોક્સમાં છુપાવીને લઈ જવાતાં વિદેશી દારૂની ૬૦ બોટલો સાથે ત્રણ શખસોને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. તેઓની સામે પ્રોહિબિશન ધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, ગઈકાલે વાસદ પોલીસ ટોલનાકાએ વાહનોની તપાસ દરમિયાન વડોદરા તરફથી આવી રહેલાં ટેમ્પો નંબર જીજે-૦૪, એડબલ્યુ-૦૮૩૯ને અટકાવીને તપાસ કરતાં ડ્રાયવરે સેલવાસથી સોડા બનાવવાનો પાવડર ભરીને જઈએ છીએ, તેમ જણાવ્યું હતું.પોલીસે ટેમ્પાના પાછળના ભાગે ગોઠવેલાં બોક્સની તપાસ કરતાં શંકાસ્પદ લાગ્યાં હતાં. પોલીસે બોક્સ ખોલીને જાેતાં અંદર વિદેશી દારૂની બોટલો ભરેલી મળી આવી હતી. બોટલની ગણતરી કરતાં કુલ ૬૦ બોટલો મળી આવી હતી. ૩૦ હજાર રૂપિયાની કિંમતની દોરૂની બોટલ સાથે ટેમ્પાને કબજે લેવાયો હતો. પોલીસે પકડાયેલાં ઈસમોના નામ સરનામા પૂછતાં તેઓએ પોતાના નામ શૈલેષ ધનજીભાઈ ચૌહાણ (શિહોર, ભાવનગર), અલ્પેશ ગોપાલભાઈ હળવદીયા મકવાણા (શિહોર, ભાવનગર) અને બુધાભાઈ ભગવાનભાઈ આલ- રબારી (સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું.પોલીસે ત્રણ મોબાઈલ, ટેમ્પો વગેરે જપ્ત કરીને વધુ પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો સેલવાસના એક મોબાઈલ નંબરવાળાએ ભરી આપ્યો હોવાની કબૂલાત કરી હતી, જેથી ચારેય વિરુદ્ધ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.