મેલબોર્ન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટની સિરિઝની બીજી મેચ મેલબર્નમાં રમાઈ રહી છે. આ બોક્સિંગ-ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે. ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરાયો નથી. આ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ 195 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જેના જવાબમાં ભારતીય ટીમે ખાતુ ખોલાવ્યા વિના જ એક વિકેટ ગુમાવી છે. હાલ, શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારા ક્રિઝ પર છે. 


રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયાને 3 મોટા આંચકા આપ્યા. તેમણે કેપ્ટન ટિમ પેનની વિકેટ લીધે જેની સાથે ઓસ્ટ્રેલિયાને 7મો આંચકો આપ્યો. પેન 13 રન બનાવીને હનુમા વિહારીના હાથે કેચઆઉટ થયો. સ્ટીવ સ્મિથ ખાતુ પણ ખોલી ન શક્યો. ચેતેશ્વર પુજારાએ તેનો કેચ ઝડપી લીધો હતો. આ પહેલા અશ્વિને ઓપનર મેથ્યુ વેડને 30 રન પર રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ડેબ્યુ ટેસ્ટમાં બે વિકેટ લીધી. તેમણે માર્નસ લાબુશેન (48) અને કેમરૂન ગ્રીન (12)ને પેવેલિયનમાં મોકલ્યા. લાબુશેનનો કેચ શુભમન ગિલે ઝડપ્યો. સંજોગની વાત છે કે ગિલની પણ આ ડેબ્યુ મેચમાં પ્રથમ કેચ રહ્યો. ગ્રીનને સિરાજે એલબીડબલ્યુ કર્યો.

ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયાના 2 ખેલાડીઓને પેવેલિયનમાં મોકલ્યા. તેણે ટીમને ચોથો આંચકો આપતા ટ્રેવિસ હેડને 38 રન પર આઉટ કર્યો. અજિંક્યા રહાણેએ તેનો કેચ પકડ્યો. પ્રથમ વિકેટ પણ બુમરાહે જ લીધો હતો. ઓપનર જો બર્ન્સ ખાતું ખોલ્યા વિના જ વિકેટ કીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ થયો. હેડ અને લાબુશેન વચ્ચે ચોથી વિકેટ માટે 86 રનની પાર્ટનરશિપ થઈ હતી.