વડોદરા-

બ્રાહ્મણોને સરકારી મદદ મળે તે મુજબની માગ છેલ્લા કેટલાક સમયથી પ્રબળ બની છે. ત્યારે શુક્રવારે ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના છેલ્લા દિવસે ડભોઈના ધારાસભ્ય શૈલેશ સોટ્ટા અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની આગેવાનીમાં બ્રાહ્મણ ધારાસભ્યોએ મુખ્યપ્રધાન સમક્ષ ભૂદેવોને પડી રહેલી તકલીફો જણાવીને, તેમને આર્થિક સહાય કરવામાં આવે તેવી માગ કરી છે.

આ અંગે મુખ્યમંત્રીને સકારાત્મક જવાબ આપ્યો હોવાનું તેમને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જ્યારે ગુજરાત સરકાર કોરોના સંક્રમણથી નુકસાન પામેલા નાના ધંધા-રોજગારને ફરી ઉભા કરવા ઓછા વ્યાજદરે લોન આપી રહી છે. ત્યારે તેવી લોન 2 ટકાના વ્યાજદરે બ્રાહ્મણોને મળે તેવી રજૂઆત મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ કરવામાં આવી છે. કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે ઘણા બધા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. કેટલાય લોકોના કામ ધંધા ઠપ થઈ ગયા છે. ત્યારે પાછલા કેટલાક સમયથી કર્મકાંડ સાથે જોડાયેલા બ્રાહ્મણોની આવક પણ ધાર્મિક અને સામાજિક પ્રસંગો મોકૂફ રહેવાથી બંધ રહી છે.