વડોદરા : વડોદરા જિલ્લા કલેક્ટરના આદેશના બબ્બે સપ્તાહ સુધી પીપળીયા ગ્રામ પંચાયતે સુમનદીપ વિદ્યાપીઠના ગેરકાયદેસર બાંધકામ તોડવાનો કોઈ ર્નિણય લીધો નથી. ત્યારે આ સુમનદીપના ૩૩૩૫૦ ચોરસ મીટરના ગેરકાયદેસર બાંધકામ અંગે આખરી ર્નિણય લેવાને માટે મળનાર પીપળીયા ગ્રામ પંચાયતની મિટિંગની પૂર્વ સંધ્યાએ વાઘોડિયાના ભાજપના દબંગ ધારાસભ્ય દ્વારા સુમનદીપનું ગેરકાયદેસર બાંધકામ તોડતા પહેલા પારુલ યુનિવર્સીટીનું ગેરકાયદેસર બાંધકામ તોડવા માટેનો હુંકાર કરતા ભડકો થવા પામ્યો છે. તેઓએ પારુલે ત્રણ માળની મંજૂરી લઈને પાંચથી છ માળ બનાવી દીધા છે એ બાબતે આક્રોશ વ્યક્ત કરીને એનું બાંધકામ પહેલા તોડવાનો હઠાગ્રહ લેતા તંત્ર મુંઝવણમાં મુકાઈ ગયું છે. મધુ શ્રીવાસ્તવે આ અંગે કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, મેં પારુલના ગેરકાયદેસર બાંધકામ બાબતે વારંવાર રજૂઆત કરી છે. તેમ છતાં હજુ સુધી એ બાબતે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. પારુલ દ્વારા લીમડા ગામના ખેડૂતોના માર્ગ પર દબાણો કરીને અવરોધાયો છે. તેમ છતાં એની સામે હજુ સુધી કોઈપણ પ્રકારના પગલાં કેમ લેવામાં આવતા નથી? એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. જેથી તાકીદે પ્રથમ પારુલનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની માગ તેઓએ દોહરાવી છે. ત્યારબાદ સુમનદીપ સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પારુલ અને સુમનદીપ બંને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં આવે છે.  

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા ગત ત્રીજી ઓક્ટોબરના રોજ પીપળીયા ખાતે આવેલ સુમનદીપ વિદ્યાપીઠના ૩૩૩૫૦ ચોરસ મીટરના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાને માટે આદેશ કરવામાં આવ્યો હતો. આ સુમનદીપના સંચાલકો દ્વારા આંતરિક રસ્તા તથા માર્જિનની જગ્યા પચાવી પાડીને મૂળ નકશા કરતા તદ્દન વિપરીત રીતે શૈક્ષણિક, ધાર્મિક અને વાણિજ્ય હેતુસરનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. આ બાબતે ફરિયાદો મળતા એની ખરાઈ કરીને જિલ્લા કલેક્ટર દ્વારા એને તોડી પાડવાનો આદેશ કરાયો હતો. આ આદેશના આધારે કલેકટરાલય હસ્તકના એક બીજા વિભાગોએ જેની પાસે ટેક્નિકલ જ્ઞાનનો એક ચાટો નથી એવી ગ્રામ પંચાયતના માથે આ બાબતે પગલાં લેવા માટેનું ઠીકરું ફોડ્યું હતું. ડીડીઓ કચેરીએ ટીડીઓ કચેરીને અને એણે પીપળીયા ગ્રામ પંચાયતને કલેક્ટરના હુકમની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત એમાં સંકળાયેલ જવાબદાર એવા નગર નિયોજનના અધિકારીઓ, જમીન દફતર નિરીક્ષકે સુમનદીપની કઈ જગ્યા દબાણમાં આવે છે. તેમજ કઈ બિલ્ડિંગનું બાંધકામ ગેરકાયદે છે. એની કોઈપણ પ્રકારની માહિતી પુરી પાડી નહોતી. જેને લઈને એક તરફ ગ્રામ પંચાયતવાળા મુંઝવણમાં મુકાઈ ગયા હતા. જ્યારે બીજી તરફ અધિકારીઓ એકબીજાનો ભાર હળવો કરીને છટકી જઈ હાથ ખંખેરી લીધા હતા. આખરે આ બાબતે તાલુકા પંચાયતના અધિકારીનું માર્ગદર્શન મેળવવાને માટે ૨૦ મીના રોજ મીટીંગનું આયોજન પીપળીયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ સુમનદીપની આગળની કાર્યવાહી અંગે ર્નિણય લેવાશે.

સુમનદીપનું બાંધકામ તોડતાં પહેલા પારુલનું બાંધકામ તોડો

સુમનદીપનું બાંધકામ તોડતા પહેલા પારુલનું બાંધકામ તોડો. એમાં ગેટથી લઈને બધુ જ ગેરકાયદેસર છે. ત્રણ માલની મંજૂરી લઇ છ માલ ચાની દેવાયા છે. લીમડાના ખેડૂતોના આવનજાવનના માર્ગ પર દબાણ કર્યું છે, એટલું જ નહિ આદિવાસીની જમીન પચાવી પાડીને ફૂટબોલનું મેદાન બનાવ્યું છે. એટલે પહેલા પારુલનું બાંધકામ તોડો, પછી સુમનદીપનું ...એવી ખુલ્લી આડકતરી ધમકી કલેક્ટર અને અધિકારીઓની સામે ઉચ્ચારી હતી.

ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવ

કંઈ ખબર હોય તો બાંધકામ તોડી શકાયને..?

કલેક્ટરના ત્રીજી ઓક્ટોબરના આદેશ પછીથી હજુ સુધી નગર નિયોજન અને ડીઆઇએલઆરના અધિકારીઓએ વિવાદવાળી જગ્યામાં કોઈપણ પ્રકારની માપણી અને માર્કિંગ કર્યું નથી. જેથી કઈ જગ્યાએ અને ક્યાંથી શું તોડવું? એનો કોઈ અંદાજ નથી. જાણ કરાય તો બાંધકામ તોડાયને? એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. પીપળીયા ગ્રામ પંચાયતે સુમનદીપનું ગેરકાયદેસર બાંધકામ તો તોડવું જ પડશે. તેઓને જરૂરી માર્ગદર્શન આપીશું. ડે. તાલુકા વિકાસ અઘિકારી

અધિકારી હાથ ખંખેરી ખોટી રીતે અમોને ઢસડી રહ્યા છે

પીપળીયા ગ્રામ પંચાયતઃ અગાઉ સુમનદીપની ગેરકાયદેસર ફેન્સીંગ માપણી કરીને મામલતદારે તોડી પાડી હતી. ગ્રામ પંચાયતનો વિવાદવાળો રસ્તો બીજે બનાવી આપ્યો છે. ૧૫ વર્ષમાં આ બાબતે કોઈએ ગેરકાયદેસર રસ્તાની જાણ કરી નથી. નકશા વિરુદ્ધના બાંધકામને માટે અગાઉ કોઈએ સવાલ ઉઠાવ્યો નહિ અને અમને જાણ સુદ્ધા કરી નથી. આ કામગીરી તાલુકા અને જિલ્લા કક્ષાએ થતી હતી. તો નાની ગ્રામ પંચાયતને આટલી મોટી કામગીરી કેમ હવે સોંપાય છે ? પીપળીયા ગ્રામ પંચાયત સમગ્ર બાબતોથી અજાણ છે. અધિકારીઓ અગાઉની માફક કાર્યવાહી કરે. અમને કોઈ વાંધો નથી. પરંતુ જવાબદારીમાંથી છટકી જવા ગ્રામ પંચાયતને પોતાના વિવાદમાં ઢસડી રહયા છે. એ સદંતર ખોટું છે. ગ્રામ પંચાયત પિપળીયા