ઝાડા-ઊલટીમાં કિશોરનું મોત :મૃતદેહ પીએમ માટે સયાજીમાં લવાયો 

વડોદરા : ગોત્રી ન્યુ ટીબી હોસ્પિટલના પાછળ રહેતો ૧૬ વર્ષિય દેવ આલ્પેશભાઈ રાણા ધોરણ ૧૦ની બોર્ડની પરિક્ષામાં પાસ થયો હતો. તે બે દિવસ અગાઉ લારી ઉપર જમવા માટે ગયો હતો. ત્યાર બાદ તેને ગત રાત્રે એકા એક ઝાડા-ઉલટીઓ શરૂ થઈ હતી. જેથી તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. તે બાદ તેના મોતનું કારણ જાણવા માટે દેવના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સાળા-બનેવીની હત્યાનો પ્રયાસ

વડોદરા : પાણીગેટમાં રાજારાણી તળાવ પાસે રહેતા નઝીરહુસેન નસીરુદ્દીન શેખના ભાણિયા મુસ્તકીમ કાજી સાથે તા.૧૧મીના મહંમદજાફર શેખ (રાજારાણી તળાવ, જીઈબી પાછળ)નો ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતે મોડી રાત્રે મહંમદજાફરે મુસ્તકીમ કાજી અને તેના પિતા મહંમદહુસેન કાજી સાથે બોલાચાલી કરી તેઓને અપશબ્દો કહ્યા હતા. આ ઝઘડામાં નઝીરહુસેને દરમિયાનગીરી તેમના બનેવી અને ભાણિયાને અપશબ્દો નહી બોલવા માટે મહંમદજાફરને સમજાવ્યો હતો પરંતું તેણે ઉશ્કેરાઈને ચાકુ વડે હુમલો કરી મહંમદહુસેન કાજીના પેટમાં અને ડાબા હાથમાં તેમજ નઝીરહુસેનના પણ પેટના ડાબી બાજુ અને મુસ્તકીમના ડાબા ખભા નીચે ચાકુના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

શુભલક્ષ્મી સોસાયટી નજીક ભૂવો પડ્યો

શુભલક્ષ્મી સોસાયટી હરણી વારસિયા રિંગ રોડ પર સોસાયટીની અંદર જવાના મુખ્ય માર્ગ પર મસમોટો ભુવો પડ્યો છે.

માથાભારે નદીમ દાઢીનો વેપારી પાસે પૈસા માગી હત્યાનો પ્રયાસ

વડોદરા : અકોટાગામ સુથાર ફળિયામાં રહેતા મુજ્જફર સલાટ અજબડી મિલ રોડ પર રૂબીના સ્ક્રેપ નામની દુકાન ધરાવે છે. ગત રાત્રે તેમની દુકાને માથાભારે મોહંમદ નદીમ ઉર્ફ દાઢી સિંધી (હજરત એપાર્ટમેન્ટ, મદાર મોહલ્લો, યાકુતપુરા) આવ્યો હતો તેણે અપશબ્દો બોલી કહ્યું કે અહીયા ગાડીઓ કેમ ઉભી રાખો છો ? અહીંયા ગાડીઓ ઉભી રાખવી હોય તો મને પૈસા આપવા પડશે. તેને અપશબ્દો બોલવાની ના પાડતા મોહંમદનદીમે ઉશ્કેરાઈને હત્યા કરવાના ઈરાદે મુજ્જફરના માથામાં તેમજ પગમાં લોખંડની પાઈપના ફટકા માર્યા હતા. લોહીલુહાણ બનેલા વેપારી મુજ્જફરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.