ટેક ચાર્જ ઓફ કેરિયર પર બે દિવસીય વક્તવ્ય 

કૉલેજ ની દુનિયા કરતા ઔદ્યોગિક દુનિયા અલગ છે. એ દુનિયામાં દાખલ થતાં પહેલાં તૈયાર થવુ જરૂરી છે, તેથી સારી કંપનીમાં નોકરી મળે અને કારકિર્દી પણ સારી થાય. આ માટે યુવાલય દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વક્તા લેખક પૂરવ ભટ્ટ ટેક ચાર્જ ઓફ કેરિયર પર વક્તવ્ય આપ્યું હતું.

વાસદની એસવીઆઇટીના વિધાર્થીની સિદ્ધિ

વાસદની એસવીઆઇટીના કમ્પ્યુટર એંજીન્યરિંગ ડિપાર્ટમેંટ ના ૭મા સેમેસ્ટરના વિધાર્થી હિમાંશુ ચાવડા ને ઈસી- કાઉન્સીલ દ્વારા ૫૫૦ઇં ની શિષ્યવૃતિ એનાયત કરવામાં આવી છે. નોંધનીય છે કે ઈસી- કાઉન્સીલ વિશ્વ માં સાઇબર સુરક્ષા તકનીકી પ્રમાણપત્ર બિરદાવતી સંસ્થા છે. કે જે વૈશ્વિક સ્તરે ૧૪૫ દેશોમાં કાર્યરત છે અને જે સર્ટિફાઇડ એથિકલ હેકર (સીઈએચ), કમ્પ્યુટર હેકિંગ ફોરેન્સિક્સ (સીએચએફઆઈ), સિક્યુરિટી એનાલિસ્ટ (ઇસીએસએ), લાઇસેંસ પેનિટ્રેશન ટેસ્ટિંગ જેવા મહત્વ ના સર્ટિફિકસન પ્રોગ્રામ ચલાવે છે.

રાજ્યસ્તરની ભારતીય સંસ્કૃતિ સ્પર્ધામા અંબે વિદ્યાલય ઝળકી

અંબે વિદ્યાલય કારેલી બાગના ધો.૭ ગુજરાતી માધ્યમના રાણા હર્ષિલ રજનીકાન્ત દ્વારા રાજ્ય કક્ષા ની ઓનલાઇન ભારતીય સંસ્કૃતિ ઃ એક પરિચય ની સ્પર્ધા માં કુલ ૨૫ માંથી ૨૨ ગુણ પ્રાપ્ત કરી ને શાળા નું ગૌરવ વધાર્યું છે.

‘સ્ટાર્ટઅપ વડોદરા કોમ્યુનિટી મીટઅપ’નું પાંચમા સંસ્કરણ

શહેરના ‘સ્ટાર્ટઅપ વડોદરા કોમ્યુનિટી’ દ્વારા ‘સ્ટાર્ટઅપ વડોદરા કોમ્યુનિટી મીટઅપ’ ના પાંચમા ઓનલાઇન સંસ્કરણ નું આયોજન કરાયું હતું, વડોદરા ના ઉદ્યોગ સાહસિકો, ઇનોવેટર્સ, ઇન્ક્યુબેટર્સ તથા મેન્ટોર્સ ને મોટી સંખ્યામાં આ કાર્યક્રમ દ્વારા જોડવામાં આવ્યા હતા.

બધેકા સ્કૂલના આચાર્યુનું સન્માન

મકરપુરા એરફોક્સ પાછળ આવેલી ગીજુભાઇ બધેકા પ્રા. શાળાના આચાર્ય કામીનીબેન પટેલનું શિક્ષણિ દિને સન્માન કરવામાં આવ્યું હતું.

વિદ્યુત બોર્ડ વિદ્યાલયમાં ફી મુદ્દે વાલીઓનો હોબાળો

શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી વિદ્યુત બોર્ડ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને સ્કૂલમાં પેપર માટે બોલાવી ફી ભરવાની રીસીપ્ટ પકડાવી દેતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને ફી માફ કરવા અથવા ફી ઘટાડવા બાબતે સ્કૂલના આચાર્યને રજૂઆત કરી હતી. ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલી વિદ્યુત બોર્ડ વિદ્યાલયના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણતર અપાતું નથી. બાળકોને યુટ્યુબની લિંક મોકલીને તેના પરથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા જણાવવામાં આવે છે, ત્યારે આજે વિદ્યુત બોર્ડ વિદ્યાલયમાં વાલીઓને પેપર આપવાનું જણાવીને બોલાવવામાં આવ્યા હતા. જેમાં પેપર સાથે વાલીઓને જૂન, જુલાઇ અને ઓગસ્ટ મહિનાની ભરવાની રીસીપ્ટ શાળા સંચાલકોએ પકડાવી દીધી હતી અને વાલીઓની રજૂઆત સામે શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓના એલ.સી લઇ જવા અને નહીં ભણાવવાનું જણાવ્યું હોવાના કેટલાક વાલીઓએ આક્ષેપ કર્યા હતા, જેથી વાલીઓ વિફર્યા હતા. વાલીઓના જણાવ્યા પ્રમાણે, સ્કૂલ સંચાલકોએ જૂનથી ઓગસ્ટથી ફીની રીસીપ્ટ આપી છે, હજી સુધી ભણાવ્યું નથી, ઓનલાઇન ક્લાસ લેતા નથી, પીડીએફ મોકલી દે છે. ફક્ત ટુ-ટ્યુબની લિંક મોકલી આપે છે, તો કયા હિસાબે ફી લે છે. જ્યારે સ્કૂલ ખુલે ત્યારે જ આ ફી ભરાશું, ત્યાં સુધી નહીં ભરીએ. અમે રજૂઆત કરી તો ધમકી તો એલ.સી પકડાવી દેવાની ધમકી આપે છે. વાલીઓએ વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યુત બોર્ડ વિદ્યાલયમાં ભણતા અમારા સંતાનોનું શૈક્ષણિક કાર્ય બંધ છે, જે વિદ્યાર્થીઓને વીડિયોગ્રાફીથી જે પણ ભણાવવામાં આવે છે, તે બાળકોના સમજણ પડતી નથી, તો શૈક્ષણિક કાર્યના અભાવે બાળકોનું ભાવી જોખમમાં છે, તો વિદ્યાર્થીઓની સ્કૂલ ફી માફ કરવા વિનંતી છે. આ સમયમાં નોકરી તથા ધંધા બંધ હોવાથી વાલીઓ ફી ભરી શકે તેવી પરિસ્થિતિમાં નથી.

બોગસ ભાડા કરાર કોર્ટમાં રજુ કરાતા ફરિયાદ કરાઇ

નિઝામપુરા વિસ્તારમાં આવેલ તાસ્કંદ સોસાયટીમાં રહેતા હનુમાનરામ સુરજારામ મિસ્ત્રીએ ગોરવા રેવન્યુ સર્વે નં.૯૫૫ની જમીનમાં બાંધવામાં આવેલ પરમેશ્વર પાર્ક સોસાયટીનો પ્લોટ ખરીદ્યો હતો. તેમાં બે માળનું બાંધકામ કર્યું હતું. વર્ષ ૨૦૦૫થી તેઓએ પોતાની મિલકત પર બાંધેલ દુકાનને સમા સાવલી રોડ પર આવેલ અમૃતપાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા શ્યામભાઇ બિસ્વાસને ભાડે આપી હતી. ૨ મે ૨૦૧૬થી ૩૧ માર્ચ ૨૦૧૭ દરમ્યાન ૪૨ હજાર ભાડું નક્કી કરીને તે અંગેનો ભાડા કરાર કરાયો હતો. જાેકે ધંધામાં મંદી આવતા શ્યામભાઈએ ૧૫ દિવસમાં પૈસા ચૂકવીને દુકાનનો સામાન લઇ જવાની બાહેંધરી આપી હતી. બાદ ફતેગંજ પોલીસમથકમાં હનુમાનરામ અને તેમના પુત્ર વિરુદ્ધ ધમકીથી કબજો પડાવી લેવા બાબતનો ખોટો કેસ કરતા સામો કેસ કર્યો હતો. જેની સુનાવણી દરમ્યાન શ્યામભાઈએ બનાવટી ભાડા કરાર રજુ કરતા આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ગોધરા હત્યાકાંડનો પાકા કામનો કેદી વચગાળાના જામીન મેળવી ફરાર

ગોધરા ખાતે ઉમર મસ્જિદની સામેના પ્લોટમાં રહેતો સોકત અબ્દુલા મોલવી ઈસ્માઈલ બદામ વિરુદ્ધ ગોધરા રેલવે પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં અદાલતે તેને આજીવન કેદની સજા તેમજ રૂા.૧૭ હજારનો દંડ ફટકાર્યો હતો. તે વડોદરા ખાતેની સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. કોરોનાની મહામારીના પગલે ૨૧ દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા અને તેને ર૯મી જુલાઈના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે આજદિન સુધી તે જેલમાં હાજર થયો ન હતો. જેથી જેલર સી.જે.ગોહિલે ફરાર થયેલ કેદી સોકત અબ્દુલ બદામ વિરુદ્ધ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

શહેરની વિદ્યાર્થીની સહિત બે મહિલાએ ફાંસો ખાધો : એક ગંભીર

પ્રથમ બનાવ :  છાણી ગુજરાત પબ્લિક સ્કૂલ સામે આવેલ મારુતિધામ સોસાયટીમાં રહેતાં પલ્લવીબેન હિતેન્દ્રભાઈ પરમાર (ઉં.વ.૩૮)નાં લગ્ન સુભાનપુરા જલારામ મંદિર સામે આવેલ વણકરવાસમાં રહેતા હિતેન્દ્રભાઈ સાથે થયાં હતાં. લગ્નનો શરૂઆતનો સમયગાળો સારી રીતે પસાર થયા બાદ અગમ્ય કારણોસર પતિ સાથે અણબનાવ બનતાં તેણીએ પિયરવાટ પકડી હતી અને પિતાના ઘરે આપઘાત કરી લીધો હતો. બીજા બનાવમાં કિશનવાડી વુડાના મકાનમાં રહેતી અને ધો.૧૦ની રેશ્મા રાજેશભાઈ કનોજિયા (ઉં.વ.૧૫) આજે ઘરે એકલી હતી ત્યારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને સયાજી હોસ્પિટલમાં રિફર કરાઈ હતી, જ્યાં તેણીની હાલત નાજુક હોવાનું ફરજ પરના તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.

છાણી વિસ્તારમાં દારૂ-જુગારની મહેફિલ પર દરોડો : ૧૬ ઝડપાયા

છાણી ટીપી ૧૩માં આવેલ શુભ ટેનામેન્ટના મકાન નં.એ-૨૨માં ભાડેથી રહેતા સુનિલકુમાર જાટવ મકાનમાં બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડે છે. આ બાતમીને આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા ઘરના મેઈન રૂમમાં ૯ લોકો કુંડાળું વાળીને જુગાર રમતા મળી આવ્યા હતા. અન્ય રૂમમાં તપાસ કરતા ત્યાં પણ વધુ ૬ લોકો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. આ ઉપરાંત ઘરમાંથી એક સીલબંધ અને એક પુરી થવા આવેલી દારૂની બોટલ પણ મળી આવી હતી. જેથી પોલીસે મકાનમાં ભાડેથી રહેનાર સુનિલકુમાર જાટવ સહીત ત્યાં હાજર કુલ ૧૬ લોકો વિરુદ્ધ જુગારધારા અને પ્રોહિબીશન એક્ટ અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હાઈવે પર પોલીસવાન, એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત

શહેરના એસઆરપી ગ્રુપ-૯ ખાતે એમ.ટી.વિભાગના ડ્રાઈવર પોકો પ્રવિણભાઈ ચૈાધરી આજે પોલીસ ખાતાની બસમાં એસઆરપીના કર્મચારીઓને સુરત મુકવા માટે નીકળ્યા હતા. તે હાઈવે પર પોર ગામની સીમમાંથી બીજા નંબરના ટ્રેક પરથી બસ લઈને પસાર થતા હતા તે સમયે રસ્તામાં ગાય આવી જતા એક નંબરના ટ્રેક પરથી પુરઝડપે જઈ રહેલા એક ટ્રકચાલકે ગાયને બચાવવાની લ્હાયમાં તેની ટ્રક બીજાનંબરના ટ્રેક પર લાવી હતી જેમાં ટ્રક પોલીસ બસ સાથે ભટકાઈ હતી. આ અકસ્માતના પગલે પ્રવિણભાઈએ બસને બ્રેક મારતા તેમની પાછળ આવી રહેલી એક એસટી બસ પાછળના ભાગે ધડાકાભેર ભટકાઈ હતી. આ ત્રિપલ અકસ્માતમાં પોલીસની તેમજ એસટી બસને ભારે નુકશાન પહોંચ્યું હતું અને પોલીસ બસમાં બેઠેલા પોકો ઈન્દ્રવિજયસિંહ જયવીરસિંહ રાણાને ઈજાઓ પહોંચતા તેમને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની વરણામા પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

તાલુકા પોલીસ મથકના પીએસઆઈ સહિત ૪ સસ્પેન્ડ

શહેર નજીક લક્ષ્મીપુરા ગામમાં ૭ વર્ષની બાળકીને પોતાના મોબાઈલમાં વિડીઓગેમ રમાડવાની લાલચ આપીને ભાવેશ જતીન પરમાર નામના યુવકે બાળકીને ગામની સીમમાં એકાંતમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની ફરિયાદ નોંધવામાં વિલંબ થતાં તેમજ બાળકીના પરિવારજનોએ તાલુકા પોલીસની કાર્યવાહી સામે ઉચ્ચકક્ષાએ આક્ષેપો સાથે ફરિયાદ કરતા પરિવારજનોની ફરિયાદના પગલે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ખરસાણ, પીએસઓ ગલાભાઈ, વુમન એએસઆઈ પુર્વિશાબેન અને પો.કો. રાજુભાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ થયો હોવાનું તાલુકા પોલીસ મથકના સુત્રોએ જણાવ્યું હતું.

રાજસ્થંભ સોસાયટીમાં દારૂની મહેફિલ માણતા ૪ ઝડપાયા

નવાપુરા પોલીસને ગત રાત્રે કોઈ નાગરિકે ફોન પર જાણ કરી હતી કે પોલોગ્રાઉન્ડ પાસે આવેલી રાજસ્થંભ સોસાયટીના મકાનનંબર-૧૨૮માં દારૂની પાર્ટી ચાલી રહી છે. આ જાણકારીના પગલે નવાપુરા પોલીસે તુરંત ઉક્ત મકાનમાં દરોડો પાડ્યો હતો જેમાં મકાનની બહાર નશો કરેલી હાલતમાં બકવાસ કરી રહેલા અનિલ ગોપાલ પટેલ (વનલીલા સોસાયટી,માંજલપુર) અને અનુજ જયંતિ વણઝારા (અટલાદરા, ભીમતળાવ વસાહત)ને તેમજ મકાનની અંદર નશો કરેલી હાલતમાં બેઠેલા કિરણ રાજુ માળી અને અજીત ગણપત માળી (બંને રહે. ગણેશનગર સોસાયટી, રણોલી)ની ધરપકડ કરી હતી.

ગુમ થયેલા બાળકને સ્કેચના આધારે શોધી કાઢતી પોલીસ

મુળ મહેસાણાનો દેવીપુજક પરિવાર હાલમાં લાલબાગ બ્રિજ નીચે પાણીની ટાંકી સામે ખુલ્લામાં રહે છે. આ પરિવારનો ૯ વર્ષનો પુત્ર તેના પિતાનું અવસાન થયું હોઈ તેના દાદા સાથે રહેતો હતો. ગત ૧૦મી તારીખે અન્ય બાળકો સાથે રમતી વખતે ભેદી સંજાેગોમાં ગુમ થયો હતો પરંતું તે નજીકમાં રહેતા તેના સંબંધીઓના ઘરે ગયો હોવાનું માની પરિવારજનોએ તેની શોધખોળ કરી નહોંતી. જાેકે બીજાદિવસે તે ભેદી સંજાેગોમાં ગુમ થયાની જાણ થતાં આ બનાવની નવાપુરા પોલીસ મથકમાં બાળકનું અજાણ્યા લોકોએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. બાળકનો કોઈ ફોટો ન હોઈ પોલીસે પરિવારજનોની પુછપરછ કરીને તેનો સ્કેચ બનાવ્યો હતો અને સ્કેચના આધારે પોલીસે ભારે જહેમત બાદ આજે મોડી સાંજે તેને શોધી કાઢી પરિવારજનોને સોંપ્યો હતો.

કોરોનાગ્રસ્ત દર્દી સાથે ફરવાના મુદ્દે હુમલો : ફરિયાદ નોંધાઇ

પથ્થરગેટ વિસ્તારમાં નાની ખારવાવાડમાં રહેતા ૪૯ વર્ષીય વિજયભાઈ ખારવાને ગત રાત્ર આઠ વાગે મદનઝાંપા રોડ પર હનુમાનજી મંદિર પાસે ઉભેલા સુધીર મધુસુદન ખારવા (નાની ખારવાવાડ, વૈરાગી ફળિયુ)એ આંતર્યા હતા. સુધીરે તેમને જણાવ્યું હતું કે નવાપુરા ખારવાવાડમાં રહેતા મનીષ ખારવાને કોરોના થયેલો છે અને હું તેની સાથે કામ પર જઉ છું તો તું આજે સવારે મને કેમ એવુ બોલ્યો હતો કે તું અમારાથી દુર રહે જે અને તું કેમ મારી આવી વાત કરે છે તેમ કહીને તેમે લોખંડના સળિયા વડે હુમલો કરી વિજયભાઈના માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવની વિજયભાઈએ નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અંકોડિયામાં ઈન્દુ આયુર્વેદ કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

શહેર નજીકના અંકોડિયા ગામ ખાતે શુદ્ધ પર્યાવરણના વાતાવરણ વચ્ચે ઈન્દુ આયુર્વેદ કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ રાષ્ટ્રીય કામધેનુ આયોગ સેવા ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાના હસ્તે આજે પ્રારંભ કરાયા બાદ તેઓએ આયુર્વેદનું મહત્વ સમજાવ્યું હતું. તેઓએ ઉમેર્યું છે કે, રાજકોટ ખાતેની આયુર્વેદ હોસ્પિટલમાં કોરોનામાં ૫૬ જેટલા દર્દીઓને આયુર્વેદિક ઉપચારથી કોરોનામુક્ત કરવામાં સફળતા મળી છે.

ત્રણ સ્થળેથી ૨૩ જુગારિયાઓ ઝડપાયા

ફતેપુરા ભાંડવાડા ખાતે રહેમતનગરમાં રહેતો રઝાક ઉર્ફ નન્નુ મોહંમદખાન પઠાણના મકાનમાં ચાલતા જુગારધામ પર વારસિયા પોલીસે ગત રાત્રે દરોડો પાડીને ૧૧ જુગારિયાઓની ધરપકડ કરી તેઓની પાસેથી રોકડા અને પાંચ મોબાઈલ ફોન સહિત રૂા.૧૩,૯૧૦ની મત્તા જપ્ત કરી હતી જયારે મકાનમાલિક રઝાક ઉર્ફે નન્નુને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ ઉપરાંત જેપીરોડ પોલીસે પણ તાંદલજામાં અમન બંગ્લોઝ સામે પલ રેસીડન્સીના બીજા માળે ભાડેથી રહેતા જુગારધામ ચલાવતા ગુલામ બચુભાઈ મીઠાવાલાના ફ્લેટમાં દરોડો પાડી ગુલામ સહિત ૭ જુગારિયાઓને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડ, ચાર મોબાઈલ અને બે મોપેડ સહિત ૯૩,૭૦૦ની મત્તા જપ્ત કરી હતી. જયારે કરજણ પોલીસે ધાવટ ચોકડી પાસે સામ્રાજ્યનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચની ધરપકડ કરી તેઓની પાસેથી રોકડા ૧૧,૪૦૦ કબજે કર્યા હતા.

સયાજી હોસ્પિ. ખાતે કેન્ટીનના ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવાયું

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટુકડી દ્વારા સયાજી હોસ્પિટલના સત્તાવાળાઓએ આપેલ નોટિસના પગલે સયાજી હોસ્પિટલ ખાતે આવેલ કેન્ટીનના ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવાયું છે.તાજેતરમાં પાલિકાના આરોગ્ય વિભાગના દરોડામાં જ્યાં વ્યાપક ગેરરીતિઓ ઝડપાઇ હતી એ કેન્ટીન એસએસજીના પિડીયાટ્રીક્સ વોર્ડ તરફ જતી પ્રવાહી ઓક્સિજનની લાઈન રસ્તા રેષામાં હોઈ ત્યાં ગેસના સિલિન્ડરોનો ઉપયોગ થતો હોઈ ધડાકા સાથે આગનો ભય ઉભો થયો હોઈ એને જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. આ કેન્ટીન ધારકની અન્ય એક કેન્ટીન પણ સયાજી હોસ્પિટલમાં કાર્યરત છે. જેને લઈને એક જ નામે ઈજારો લઈને બે કેન્ટીન શરુ કરવામાં આવી હોવાની ચર્ચા સયાજી હોસ્પિટલના કેમ્પસમાં થઇ રહી હતી. આ ઉપરાંત કેન્ટીનમાં વપરાતા ગેસના બોટલોને લઈને ઓક્સિજનની લાઇનને કારણે ધડાકા સાથે આગ લાગે કે કોઈ દુર્ઘટના ઘટે તો આખેઆખા બિલ્ડીંગો ધરાશાયી થવાનો અને આસપાસના વિસ્તાર ધણધણી ઉઠે એવા ભય સાથે શંકા વ્યક્ત કરાઈ હતી. જેને લઈને એને ધ્વસ્ત કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ કામગીરીમાં પાલિકાની દબાણ શાખાની ટુકડીની સાથે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને પણ કોઈ દુર્ઘટના ઘટતો તત્કાળ એને પહોંચી વળવાને માટે તૈયાર રખાઈ હતી. સૂત્રોએ ઉમેર્યું હતું કે આ કેન્ટીનના માલિકો દ્વારા કરવામાં આવેલ દબાણને લઈને પીડિયાટ્રિક વોર્ડ, કોવિદ વોર્ડ સહિતના વોર્ડને માટે આપત્તિ જનક સ્થિતિ સર્જાવા પામી હતી.આને લઈને તત્કાળ એનું ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દૂર કરવું જરૂરી હોઈ એને ધ્વસ્ત કરાયું છે.