નવી દિલ્હી

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરના કારણે હાહાકાર મચી ગયો છે. ઓક્સિજન, દવા, વેંટિલેટરની અછતના કારણે અનેક રાજ્યોમાં અફરાતફરી જેવી સ્થિતિ છે. તેવામાં બ્રિટન ભારતની મદદે આગળ આવ્યું છે. આધિકારિક જાણકારી અનુસાર બ્રિટન દ્વારા 600થી વધુ મેડિકલ ઉપકરણ ભારત મોકલવામાં આવ્યા છે. આ બધા જ ઉપકરણ આવતી કાલ સુધીમાં ભારત પહોંચી જશે.

કોરોના સામેની લડાઈમાં ભારતની મદદ કરવા માટે બ્રિટને 495 ઓક્સિજન કંસન્ટ્રેટર, 120 વેંટીલેટર અને અન્ય મેડિકલ ઉપકરણ મોકલ્યા છે. બ્રિટન તરફથી મદદની આ બીજી ખેપ આ સપ્તાહમાં ભારત પહોંચી જશે.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું હતું કે ભારત સાથે મિત્રતા છે અને એક મિત્ર તરીકે કોરોનાની આ લડાઈમાં તે ભારતની સાથે ખડેપગે રહેશે. આ મુશ્કેલ સમયમાં તે ભારતની સાથે મળી કામ કરશે.

જણાવી દઈએ કે બ્રિટનના વડાપ્રધાન આ સપ્તાહમાં ભારત આવનાર હતા પરંતુ કોરોનાના વધતાં સંક્રમણના કારણે બોરિસ જોનસને પોતાનો ભારત પ્રવાસ રદ્દ કર્યો હતો. આ બીજીવાર છે જ્યારે તેમનો ભારત પ્રવાસ રદ્દ થયો હોય.