વડોદરા,

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર-દરિયાપુર ગામના વિનુભાઇ ભીખાભાઇ પઢીયાર(ઉ.૪૦), તેમની પત્ની વિદ્યાબેન અને જયરાજ સાથે દુમાડ ગામમાં રહેતા બહેનના ઘરે ભાઈબીજની ઉજવણી કરવા માટે નીકળ્યા હતા. જ્યારે તેઓ ભીમપુરા કેનાલ પાસે પહોંચ્યા, ત્યારે ઇકો કારે તેમની બાઇકને અચાનક જ ટક્કર મારી હતી. જેથી વિનુભાઇ કેનાલમાં પડી ગયા હતા અને પત્ની વિદ્યાબેન અને પુત્ર જયરાજ રોડ પર પટકાયા હતા. જેથી બંને ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમની મદદથી લાપતા થયેલા વિનુભાઇની શોધખોળ હાથ ધરી હતી. ૫ કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે જાણ કરતા જ લાપતા વિનુભાઇના પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઉપરાંત પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર પણ સ્થળ પર પહોંચી ગયા હતા. કેનાલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ઉમટ્યા હતા. લાપતા યુવાનના પરિવારજને રડતા રડતા જણાવ્યું હતું કે, બહેનને ત્યાં ભાઇબીજ કરવા માટે નીકળ્યા હતા અને અકસ્માત થતાં કેનાલમાં ડૂબ્યા છે. સંબંધી જગમાલસિંહ પઢીયારે જણાવ્યું હતું કે, વિનુભાઇ આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ મુજપુર-દરિયાપુર ગામથી દુમાડ તેમની બહેનને ત્યાં જવા માટે નીકળ્યા હતા અને ભીમુપુરા કેનાલ પાસે ૧૨ વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો. જેમાં વિનુભાઇ કેનાલમાં ડૂબી ગયા હતા અને તેમના પત્ની અને પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા.