દિલ્હી-

બજેટસત્ર પહેલાં પરંપરાગત રીતે રાષ્ટ્રપતિ દ્વારા સંસદના બંને ગૃહોને કરવામાં આવતા સંબોધનનો બહિષ્કાર કરનારા વિપક્ષોની યાદી લાંબી થતી જાય છે. કોંગ્રેસના પ્રયાસોને પગલે જે વિરોધપક્ષો રાષ્ટ્રપતિના આ સંયુક્ત ભાષણનો વિરોધ કરવાના છે એ લાંબી યાદીમાં હવે માયાવતીનો બહુજન સમાજ પક્ષ પણ જોડાઈ ગયો છે. 

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મોદી સરકાર જેમના આંદોલનને બદનામ કરવામાં લાગી ગઈ છે, એવા ખેડૂતોના પડખે એક થઈને ટેકો આપવા માટે હવે 16 જેટલા વિપક્ષો ભેગા થશે અને રાષ્ટ્રપતિના ભાષણનો વિરોધ કરશે. આજના બજેટસત્રના આંરભે સાંસદો સંસદભવન તરફ રવાના થયા ત્યારે સંસદભવનના પ્રાંગણ પાસે સઘન ચેકીંગ હાથ ધરાયું હતું. બે દિવસ પછી એટલે કે, પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સિતારામન સંસદમાં બજેટ રજૂ કરશે.