રાજપીપળા : ૩૧ મી ઓક્ટોબરે એક તરફ વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી તો બીજી તરફ નર્મદા જિલ્લા   દ્વારા એને “કાળો દિવસ“ ગણાવ્યો હતો. ડેડીયાપાડામાં ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર સામે લોકશાહી ઢબે નર્મદા જિલ્લા માજી પ્રમુખ મહેશ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત કારોબારી આધ્યક્ષ બહાદુર વસાવા, બીટીપી પ્રમુખ દેવેન્દ્‌નભાઇ વસાવા, ડેડિયાપાડા તાલુકા બીટીએસ પ્રમુખ માધવસિંહ, બીટીપી ઉપપ્રમુખ જગદિશ વસાવા, યુવા પ્રમુખ કરણસિંગ વસાવા તથા રામસિંગ વસાવા, અભેસિંગ વસાવા, શનુ વસાવા, મુળજી વસાવા, અમરસિંગ વસાવા સહિત અન્ય બીટીપી, બીટીએસ ના કાર્યકરોએ આંખો-હાથ પર કાળી પટ્ટી મોઢા પર કાળા માસ્ક પહેરીને સાયલન્ટ વિરોધ કર્યો હતો.પોતાના વિરોધ દરમિયાન કાર્યકરોએ જણાવ્યું હતું કે સરકાર આદિવાસીઓને ખતમ કરવાનું ષડયંત્ર કરી રહી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટો દ્વારા આદિવાસીઓને વિસ્થાપિત કરી વેપાર કરવાની ચાલ છે.તેનાથી આદિવાસીઓને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી.સરકાર આદિવાસી સમુદાયની જે જમીનો નર્મદા ડેમ અને નહેરો માટે લેવાઈ છે એની પર હાલ ટેન્ટ સીટી, વિવિધ ભવન, હોટેલ, રેલ્વે સ્ટેશન બનાવી આદિવાસીઓ સાથે સરકારે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે.નર્મદા બંધ બન્યાં પછી હજારો આદિવાસીઓ વિસ્થાપિત થઈને પોતાના અસ્તિત્વ માટે આજે પણ સંઘર્ષ કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ ૩૧ મી ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫ મી જન્મજયંતી પ્રસંગે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી હતી.આ કાર્યક્રમ અગાઉ કેવડિયા બચાવો આંદોલન સમિતિએ ડો.પ્રફુલ્લ વસાવાની આગેવાનીમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમનો વિરોધ કરી સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગો મૂકી હતી, જો પોતાની એ માંગો પુરી ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જેમ જેમ વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ નજીક આવતો હતો તેમ તેમ નર્મદા પોલીસ સંભવિત વિરોધ રોકવા પ્રયાસો કરી રહી હતી, એકંદરે એમના એ પ્રયાસો સફળ જરૂર થયા હતા ૩૦-૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના કાર્યક્રમ સ્થળની આસપાસ કોઈ જ વિરોધ પ્રદર્શન થયું ન હતું.અગાઉ નર્મદા પોલીસે આદિવાસી આગેવાન ડો.પ્રફુલ્લ વસાવા પર ૩ ગુના નોંધતા તેઓ પણ પોલીસની આખી ગેમ સમજી ગયા હતા અને પોલિસ પકડથી દૂર હતા.હવે પોલિસ પણ ડો.પ્રફુલ્લ વસાવાએ પકડવા દિવસ-રાત એક કરી દીધા પણ મોદીનો કાર્યક્રમ પત્યો ત્યાં સુધી તેઓ પોલીસ પકડથી દૂર રહ્યા હતા.