અમદાવાદ-

સિમેન્ટ, સ્ટીલના ભાવમાં બેફામ વધારાના વિરોધમાં રિયલ એસ્ટેટ સેક્ટર આજે એક દિવસીય હડતાળ પર છે. જેથી આજે રાજ્યમાં 20 હજારથી વધુ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ બંધ રહેશે. બાંધકામ સાથે જોડાયેલા તમામ સંગઠનો આજે 1 દિવસીય હડતાળ પર છે. હડતાળના કારણે આજે રાજ્યભરના 20 હજારથી વધુ કન્સ્ટ્રકશનના કામ ઠપ્પ થઈ જશે. 40 લાખથી વધુ મજૂરો 1 દિવસ માટે કામકાજથી અળગા રહશે. તેઓ આજે કલેક્ટરને આવેદન પત્ર રજુઆત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતનું સપનું જોવામાં આવ્યું છે. પરંતુ પ્રધાનમંત્રીના આ સપના સાથે ગુજરાતના સરકારને કોઈ લેવા દેવા ન હોય તેવા ગંભીર આક્ષેપ બાંધકામ અને સંલગ્ન સંસ્થા દ્વારા લેવામાં આવ્યા છે. જેમાં કોન્ટ્રાક્ટરો માટે આત્મનિર્ભર સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો નથી. જેને લઈને રોષ જોવા મળ્યો છે. દેશભરમાં પહેલીવાર બાંધકામ અને તેની સાથે જોડાયેલ સંગઠનો એક સાથે ટોકન હડતાળ કરવાનો નિર્ણય લીધો છે. સિમેન્ટ અને સ્ટીલનું ઉત્પાદન કરતા ગુજરાતમાં જ સિમેન્ટનો ભાવ પ્રતિ બેગ 320 રૂપિયા છે. જયારે સિમેન્ટનું ઉત્પાદન ન કરતા રાજસ્થાન અને બિહારમાં સિમેન્ટનો ભાવ પ્રતિ બેગ 235 થી 245 હોવાના કારણે બિલ્ડર્સ અને સંગઠનો આજે હડતાળ પર ઉતર્યાં છે.