વડોદરા, તા.૨૫

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જામ્બુવા લેન્ડફીલ સાઈટમાં કોન્ટ્રાક્ટર દ્વારા ટ્રકમાં બિલ્ડીંગનો વેસ્ટ ભરીને ઠાલવવામાં આવતો હોવાની ગેરરીતિ આજે ઝડપાઈ હતી જે અંગે ભાજપના સ્થાનિક કાઉન્સિલર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી કાર્યવાહી કરવાની માગ કરી હતી.ઉલ્લેખનિય છે કે, આ પૂર્વે પણ ડોર ટુ ડોરના વાહનો અનેક વખત બિલ્ડીંગ વેસ્ટ મટીરીયલ ભરતા ઝડપાયા હતા.

વડોદરા શહેર બહાર જાંબુઆ ખાતે વર્ષો પૂર્વે કોર્પોરેશન દ્વારા વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ થાય તેને માટે લેન્ડફીલ સાઇટ બનાવવામાં આવી છે. જ્યા હાલ કચરાના ઢગલા થઈ ગયા છે ત્યારે આ લેન્ડફીલ સાઈટમાં ઘરગથ્થું કચરાને બદલે બિલ્ડીંગનો વેસ્ટ કાટમાળ ઠાલવવામાં આવતો હોવાનું પણ બહાર આવ્યું છે.કોર્પોરેશન દ્વારા કચરા કલેક્શનના કોન્ટ્રાક્ટરને વજન પર નાણાં ચૂંકવવામાં આવે છે.

જાંબુઆ લેન્ડફીલ સાઇટ ખાતે આજે બિલ્ડીંગનો કાટમાળ નો કચરો ભરેલી એક ટ્રક પહોંચી હતી. અને આ ટ્રક વજન કાંટા પર ઉભી હતી. દરમિયાન તેની જાણકારી ભાજપના સ્થાનિક કાઉન્સિલર ઘનશ્યામ પટેલ થતાં તેઓ સ્થળ પર પહોંચી જઇ આ કાટમાળ ભરેલી ટ્રક કચરામાં નહીં ઠાલવવા જણાવ્યું હતું આ રીતે અવારનવાર ઘરગથ્થુ કચરાને બદલે બિલ્ડીંગ વેસ્ટ ઠાલવવામાં આવતો હોવાની પણ તેમણે શંકા વ્યક્ત કરી હતી આ અંગે તેમણેે મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષનું ધ્યાન દોર્યું છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા પણ જણાવ્યુ હતુ.