વડોદરા : ચાર જેટલા ઉચ્ચ સનદી અધિકારીઓના બેનંબરી રૂપિયાનો વહીવટ કરતા મનાતા અને વડોદરા શહેરને પોતાની જાગીર સમજી અનેક સાઈટોમાં ગેરકાયદેસર બાંધકામ કરવાનો આક્ષેપ ધરાવતા બીઆરજી ગ્રૂપના બકુલેશ ગુપ્તાના અનેક રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બાંધકામો ઉપર પાલિકાનો હથોડો વિંઝવાના અને મિલકતો સીલ કરવાના સત્તાવાર પ્રયત્નો શરૂ થઈ ચૂકયા હોવાનું પાલિકાના આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. ૧૫ જેટલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણ અંગે પાલિકાની વારંવારની નોટિસ છતાં એને નહીં ગણકારતાં મ્યુનિ. કમિશનરે કડક કાર્યવાહીના આદેશો આપ્યા છે. લખલૂટ ખર્ચે મોટા મોટા કાર્યક્રમો યોજી સનદી અધિકારીઓને હાજર રાખી વાહ-વાહી લૂટવામાં પાવરધા બકુલેશ ગુપ્તા અને પુત્ર સરગમની ૧ર જેટલી મિલકતોના બાંધકામમાં કરાયેલા દબાણ અંગે જાગૃત નાગરિક દ્વારા લેખિત રજૂઆતો બાદ પાલિકાતંત્રએ નાછૂટકે કાર્યવાહી હાથ ધરવી પડી હતી. ઓગસ્ટ મહિનાથી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર દ્વારા બીઆરજી ગ્રૂપની ૧ર ઉપરાંત મિલકતો જે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી છે એના બાંધકામમાં થયેલી ગેરરીતિઓ અને વધારાના દબાણ અંગે નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસોમાં જીપીએમસી એક્ટ-૨૫૩ મુજબ બાંધકામ માટે પરવાનગી મેળવવી ફરજીયાત છે તથા એક્ટ ૨૫૬ મુજબ કરવામાં આવેલા બાંધકામના સાધનિક કાગળો-પુરાવાઓ રજૂ કરવા માટેની નોટિસો અપાઈ હતી. 

એક ઉપર એક એમ ત્રણ નોટિસો જેમાં પુરાવા રજૂ કરવા અન્યથા અત્રેથી જીપીએમસી એક્ટની કલમ ૨૬૦(૧), ૨૬૦(ર) મુજબની કાયદેસરની કાર્યવાહી કરી બિનપરવાનગી અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવશે એમ સ્પષ્ટપણે જણાવ્યું હોવા છતાં બીઆરજી ગ્રૂપ તરફથી એમની મિલકતોના સાધનિક પુરાવા રજૂ કરાયા નથી. બીઆરજી ગ્રૂપની ઓફિસો-રહેઠાણો-શાળાઓ એમ દરેક જગ્યાએ મનમાની કરી કરાયેલા ગેરકાયદેસર બાંધકામ ઉપરાંત બીઆરજી ગ્રૂપ દ્વારા મુકાયેલી સ્કીમોમાં પણ વગર પરવાનગીએ બેફામ બાંધકામ કરાયું હોવાથી નોટિસોનો જવાબ આપી શકે એમ નહીં હોવાથી કોઈ જવાબ અપાયો નથી. જાગૃત નાગરિક દ્વારા આ અંગે પાલિકાની ટાઉન પ્લાનિંગ ઓફિસનો વારંવાર સંપર્ક કરાતાં નાછૂટકે હવે બીઆરજી ગ્રૂપના ગેરકાયદેસર બાંધકામો તોડવા અને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. 

બીઆરજી ગ્રૂપ પર કરોડોનો બોજાે હોવાની ચર્ચા

બીઆરજી ગ્રૂપના કર્તાહર્તા શારીરિક અને આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જુદા જુદા ઉચ્ચ સનદી અધિકારીઓના બેનંબરી રૂપિયાઓ ફેરવતા હોવા છતાં બેન્કોની મોટી રકમ ચૂકવવામાં બીઆરજી ગ્રૂપને છેલ્લાં કેટલાંક સમયથી મુશ્કેલીઓ પડતી હોવાનું બિલ્ડર લૉબીમાં ચર્ચાઈ રહ્યું છે. જ્યારે બકુલેશ ગુપ્તાની શારીરિક હાલત પણ કથળી ગઈ હોવાથી જાહેરમાં આવવાનું ટાળી રહ્યાં છે.

વિવાદાસ્પદ સ્થાયી અધ્યક્ષ સતીષ પટેલ ‘હિસાબ ચુકતે કરવા’ તોડફોડ કરાવે છે?

સ્થાયી સમિતિના અધ્યક્ષ સતિષ પટેલના મહત્વકાક્ષી અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલા છાણીના પ્રવેશદ્વાર પર કલાત્મક ગેટ બનાવવાના પ્રોજેકટ મુદ્‌ે પાલિકાતંત્ર સામે બાંયો ચઢાવનાર બીઆરજી ગ્રૂપ સામે કાયદાનો કોરડો વિંઝવા માટે સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીષ પટેલ મક્કમ બન્યા હોવાનું કહેવાય છે. હાઈકોર્ટ સુધી પાલિકાને ઢસડી ગયા હોવાનું જણાવી બીઆરજી ગ્રૂપ સામે કાર્યવાહી કરવા માટે મ્યુનિ. કમિશનરને જાણ કરી હતી એવા સમયે જ જાગૃત નાગરિકની અગાઉની અરજીઓની વિગતો મળતાં તાત્કાલિક કાર્યવાહીના આદેશો અપાયા છે.

ત્રણ ત્રણ વખત કારણદર્શક નોટિસો અપાઈ ચૂકી છે

પાલિકાતંત્ર ઉપર જાે ઉચ્ચ કક્ષાએથી દબાણ નહીં આવે તો શનિવાર, રવિવાર, સોમવાર દરમિયાન બીઆરજી ગ્રૂપના શહેરમાં આવેલા દરેક બાંધકામો ઉપર પાલિકાની ટીમ ત્રાટકશે અને દબાણો દૂર કરશે, જરૂર પડશે તો એ સ્થળોને પાલિકાતંત્ર સીલ મારવાની કાર્યવાહી હાથ ધરશે એમ અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું છે.

બીઆરજી ગ્રૂપના ગેરકાયદેસર બાંધકામ અને દબાણો

બીઆરજી ગ્રૂપના ગેરકાયદેસર બાંધકામ અને દબાણો ધરાવતી મિલકતો જેની સામે ટૂંક સમયમાં કાર્યવાહી થવાની છે એની યાદી ક્રમશઃ આ મુજબ છે. સરગમ હાઉસ બી-વિંગ ટ્રાયડન્ટ કોમ્પલેક્સ રેસકોર્સ, સરગમ બકુલેશ ગુપ્તા રે.સ.નં. ૧૭૧/પૈકી પ્લોટ નં.૧ સનફાર્મા રોડ, તાંદલજા, ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા, અભય એસોસિયેટ બિલ્ડિંગ નં.૧ (કોમર્શિયલ) અટલાદરા, અભય બંગલોઝ વાસણા રોડ, ગુજરાત પબ્લિક સ્કૂલ એન્ડ હોસ્ટેલ છાણી ટોલનાકા પાસે, ગોવર્ધન એપાર્ટમેન્ટ મુકતાનંદ કારેલીબાગ, સરગમ હોટેલ ફતેગંજ, બીઆરજી હાઈટ્‌સ સમા-સાવલી રોડ,બીઆરજી હેરીટેજ રિસોર્ટ સમા સાવલી રોડ સહિત અન્ય મિલકતોનો સમાવેશ થાય છે.