આણંદ : આ વર્ષે ચરોતરમાં ધંધો મંદો રહ્યો, પણ છેલ્લી ઘડીએ નીકળેલી ઘરાકીએ વેપારીઓની દિવાળી સુધારી દીધી હતી. દિવાળીમાં કોરોના મહામારીને કારણે ગ્રાહકો નહીં ડોકાય તેવી લાગણી સાથે આ વર્ષે વેપારીઓએ દર વર્ષ કરતાં અડધો અડધ માલનો સ્ટોક ઓછો કર્યો હતો. દિવાળીના દિવસો શરૂ થઈ ગયાં બાદ છેક ધનતેરસ સુધી માર્કેટમાં ગ્રાહકો ફરક્યાં ન હતા. છેલ્લી ઘડીએ માર્કેટમાં ઘરાકી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. 

છેલ્લી ઘડીએ મધ્યમ વર્ગને બોનસ મળતાં અને ધરતીપૂત્રોને વેંચાયેલાં પાકના પૈસા મળતાં છેલ્લે દિવસે દિવાળીએ છેલ્લી ઘડીએ ચરોતરના બજારો ઉભરાઈ ગયાં હતાં. આણંદ અને નડિયાદમાં આસપાસના ગામોમાંથી લોકો ખરીદી માટે ઉમટી પડતાં બજારો ભરાઈ ગયાં હતાં. ખાલ કરીને ઘર સજાવટ, ઇલેક્ટ્રોનિક્સ, રેડીમેઇડ ગાર્મેન્ટ્‌સ, બૂટ-ચંપલ, મિઠાઈઓ સહિતની દુકાનોમાં માલ ખુટી પડ્યો હતો. ઘણાં સ્થળે તો દુકાનો પર સ્ટોક ખતમ થઈ ગયો હોવાના પાટીયા ઝુલવા માંડ્યાં હતાં.

પડતર દિવસે વેપારીઓને ઉગાર્યાં

જે કંઈ બાકી રહી ગયું હતું એ દિવાળી પછીના પડતર દિવસે પૂરું કરી આપ્યું હતું. દિવાળીના દિવસે જબ્બર ઘરાકી નીકળતાં ભાગદોડ કરીને વેપારીઓએ પડતર દિવસ માટે નવો સ્ટોક મગાવ્યો હતો. દિવાળીના દિવસે ચરોતરમાં પાંચથી સાત કરોડનો ધંધો થયો હતો, જ્યારે છેલ્લાં દસ દિવસમાં ૫૦થી ૬૦ કરોડનો ધંધો થયો હતો.

ધનતેરસ સુધી કાગડા ઉડ્યો અને છેલ્લાં દિવસે લોકો ઉમટી પડ્યાં

માર્કેટના સૂત્રોનું કહેવું છે કે, ધનતેરસ સુધી ૨૫થી ૩૦ ટકા જ વેચાણ હતું. એવું લાગતું હતું દિવાળી ફેઇલ જશે, પણ દિવાળીના દિવસે ૪૦ ટકાથી વધુની ઘટ સરભર થઈ ગઈ હતી. વેપારીઓના ચહેરાં પર છેક દિવાળીના દિવસે ખુશી જાેવાં મળી હતી. પડતર દિવસે પણ નવાં વર્ષની ઉજવણી માટે કપડાં સહિત સુશોભનની વસ્તુઓ અને મુખવાસ, મિઠાઇ વગેરેની ખરીદી નીકળી પડી હતી.

ફટકો પડ્યો, પણ ધાર્યાં કરતાં દિવાળી સુધરી ગઈ

દર વર્ષે દિવાળી પર ધંધો કરવા વિવિધ બજારોમાં વેપારીઓ નવરાત્રી પછી સ્ટોક કરવાનું શરૂ કરી દેતાં હોય છે. આ વર્ષે નવરાત્રીની ઉજવણી ન થતાં વેપારીઓ નિરાશ હતાં. દિવાળી ખરાબ જશે એવું ધારી લીધું હતું. પરિણામે માલનો સ્ટોક કર્યો ન હતો. વેપારીઓએ ઓર્ડર ન લખાવતાં આ વર્ષે ટ્રાન્સપોર્ટમાં મંદીનો માહોલ જાેવાં મળ્યો હતો. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ૪૦થી ૫૦ ટકાનો ફટકો પડ્યો છે.

સૌથી વધુ ગ્રાહકો ફરસાણ, મુખવાસ અને મિઠાઈની દુકાનોમાં જાેવાં મળ્યાં!

આણંદ અને ખેડા સહિત જિલ્લામાં ફરસાણ, મુખવાસ અને મિઠાઈની દુકાનોમાં ભોરે ભીડ જાેવાં મળી હતી. ચરોતરમાં લગભગ ૧૦૦૦થી વધુ નાની મોટી આવી દુકાનો આવેલી છે. આમ તો મોટી દુકાનોને દર વર્ષે વિવિધ કંપનીઓના મોટા ઓર્ડર મળતાં હોય છે. આ વર્ષે એવાં ઓર્ડર મળ્યાં ન હતાં. જાેકે, રીટેલ ગ્રાહકોનો ધસારો વધું રહ્યો હતો. ચાલું વર્ષે ઓવરઓલ ૫૦ ટકાનો સીધો ફટકો પડ્યો છે, પણ છુટક ખરીદીમાં માત્ર ૧૦થી ૨૦ ટકાનો ઘટાડો જાેવાં મળ્યો હતો.

સ્ટોક ઓછો પડતાં માર વધુ સહન કરવો પડ્યો!

ચરોતરમાં દિવાળીના પર્વ નિમિત્તે આ વર્ષે ઇલેક્ટ્રોનિક્સ, મોબાઇલ અને ઘર સજાવટની વસ્તુંઓના વેપારીઓને ૪૫થી ૫૦ ટકાનો ફટકો પડ્યો છે. જાેકે, ધાર્યાં કરતાં વધુ વેપલો થયો છે. કોરોના મહામારીને કારણે સ્ટોક ઓચો રાખ્યો હોવાથી ઘણી જગ્યાએ સ્ટોક ખતમ થઈ ગયો હોવાના બોર્ડ પણ લગાવવા પડ્યાં હતાં.

સારો બિઝનેસ રેડિમેઇડ ગાર્મેન્ટમાં જાેવાં મળ્યો

આણંદ - નડિયાદ સહિત ચરોતરમાં રેડિમેઇડ ગાર્મેન્ટની દુકાનોમાં છેલ્લાં દિવસોમાં ભારે બીડ જાેવાં મળી હતી. લગભગ ચરોતરમાં ૬૦૦થી ૭૦૦ નાની-મોટી દુકાનો આવેલી છે. અગાઉ આ બજારમાં દિવાળી માટે લગભગ ૫૦થી ૬૦ કરોડોનો સ્ટોક કરવામાં આવતો હતો, પણ આ વર્ષે તેમાં ૫૦ ટકાનો કાપ વેપારીઓએ મૂકી દીધો હતો. આ વખતે કોરોની મહામારીના પગલે મોટાભાગના વેપારીઓને ધનતેરસ સુધી માંડ ૩૦ ટકા ધંધો થયો હતો. તેઓએ દિવાળી બગડશે એવું માની લીધું હતું, પણ છેલ્લાં બે દિવસમાં રેડીમેઇડ કપડાની ડિમાન્ડ નીકળતાં ૭૦થી ૭૫ ટકા જેવો ધંધો થયો હતો.

વાહનોની ખરીદી અવ્વલ રહી

આણંદ જિલ્લામાં દિવાળી પર નવાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની ખરીદી ખુબ મોટા પ્રમાણ થતી હોય છે. જાેકે, આ વર્ષે કોરોના મહામારીને કારણે આ ક્ષેત્રને પણ અસર થઈ છે. ખાસ કરીને ટ્રેક્ટર અને બાઇકના વેચાણ પર દર વર્ષ કરતાં માર પડ્યો છે. આ વખતે વાહનોના વેચાણમાં ૨૦ થી ૩૦ ટકાનો ઘટાડો થયો છે. સરેરાશ ૮૦ ટકા જેટલો ધંધો ચાલુ વર્ષે થયો છે.