ન્યૂ દિલ્હી- 

રાજસ્થાન રોયલ્સે જોસ બટલરની સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી આઈપીએલની ૨૮મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ૫૫ રને પરાજય આપ્યો છે. રાજસ્થાન રોયલ્સની સાત મેચમાં આ ત્રીજી જીત છે. તો હૈદરાબાદનો આ છઠ્ઠો પરાજય છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૨૨૦ રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૬૫ રન બનાવી શકી હતી. 

રાજસ્થાને આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદને ૫૭ રનના સ્કોર પર પ્રથમ ઝટકો મનીષ પાંડે (૩૧)ના રૂપમાં લાગ્યો હતો. ત્યારબાદ બેયરસ્ટો ૩૧ રન બનાવી રાહુલ તેવતિયાનો શિકાર બન્યો હતો. કેન વિલિયમસન ૨૦ રન બનાવી આઉટ થયો હતો. વિજય શંકર ૮, કેદાર જાધવ ૧૯, મોહમ્મદ નબી ૧૭, અબ્દુલ સમદ ૧૦, રાશિદ ખાન શૂન્ય રને આઉટ થયા હતા. ભુવનેશ્વર કુમાર ૧૪ અને સંદીપ શર્મા ૮ રન બનાવી અણનમ રહ્યો હતો. રાજસ્થાન તરફથી મુસ્તફિઝુર રહમાને ૨૦ રન આપીને ત્રણ, મોરિસે ૨૯ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય રાહુલ તેવતિયા અને કાર્તિક ત્યાગીને એક-એક સફળતા મળી હતી. 

જોસ બટલરે શાનદાર બેટિંગ કરતા પોતાના ટી-૨૦ કરિયર અને આઈપીએલ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. આ સીઝનમાં બટલરના બેટથી પહેલી મોટી ઈનિંગ નીકળી છે. જોસ બટલરે ૬૪ બોલનો સામનો કરતા ૮ છગ્ગા અને ૧૧ ચોગ્ગાની મદદથી ૧૨૪ રન બનાવ્યા હતા. ઓપનિંગ કરવા આવેલ બટલર ૧૯મી ઓવરના છેલ્લા બોલે આઉટ થયો હતો. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા ત્રીજી ઓવરમાં યશસ્વી જયસવાલ (૧૨) ની વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વીને રાશિદ ખાને આઉટ કર્યો હતો. ત્યારબાદ સંજૂ સેમસન અને જોસ બટલરે ૧૫૦ રનની ભાગીદારી કરી હતી. સંજૂ સેમસન ૩૩ બોલમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે ૪૮ રન બનાવી વિજય શંકરનો શિકાર બન્યો હતો. રિયાન પરાગ ૧૫ અને ડેવિડ મિલર ૭ રન બનાવી અમનમ રહ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી સંદીપ શર્મા, રાશિદ ખાન અને વિજય શંકરે એક-એક વિકેટ ઝડપી હતી.