અમદાવાદ-

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી  માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. તમામ બેઠકો પર સવારે 7 વાગ્યે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. ધારી, ગઢડા, કરજણ, અબડાસા, ડાંગ, કપરાડા, મોરબી અને લીંબડી બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન આરંભી દેવાયું છે. બંને પક્ષોએ આ બેઠકો જીતવા માટે એડીચોટીનુ જોર લગાવી દીધું છે. ત્યારે ભાજપ કોંગ્રેસના 16 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કોરોનાકાળમાં પ્રથમવાર મતદાન યોજાયુ હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને મતદારોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. એ પહેલા થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરીને મતદારોને અંદર જવા દેવામાં આવી રહ્યાં છે. તો સવારથી જ અનેક કેન્દ્રો પર ઈવીએમ ખોટકાયાની ફરિયાદ ઉઠી છે.

ધારી વિધાનસભાની પેટાચૂંટણીમાં કટોકટીની પરિસ્થિતિ છે, ત્યારે બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારોએ ચૂંટણી જીતવા સુરતથી મતદારોને મેદાનમાં ઉતાર્યા છે. મતદાન માટે સુરતથી ખાનગી બસો દ્વારા મતદારોની ફોજ ઉતારાઈ છે. ધીરી સીટ જીતવાની ભાજપ કોંગ્રેસ દ્વારા શક્યત તમામ પગલા લેવાયા છે. 

કપરાડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મતદાન કરે તે પહેલા ઇવીએમ મશીન ખોટકાયું હતું. વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠાના મતદાન બુથ પર મશીન ખોટકાયું હતું. ટેકનિકલ સ્ટાફ બૂથ પર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈએ મતદાન માટે રાહ જોવી પડી હતી.

8 બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચેની જંગ મોટી છે.

બેઠક ભાજપ કોંગ્રેસ 

અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા શાંતિલાલ સેંઘાણી

ધારી જેવી કાકડિયા સુરેશ કોટડિયા

કપરાડા જીતુ ચૌધરી બાબુભાઈ વરઠા

ગઢડા આત્મરામ પરમાર મોહન સોલંકી

લિબડી કિરીટસિંહ રાણા ચેતન ખાચર

મોરબી બ્રિજેશ મેરજા જયંતી પટેલ

ડાંગ વિજય પટેલ સૂર્યકાંત ગાવિત

કરજણ અક્ષય પટેલ કિરીટસિંહ જાડેજા