વડોદરા : વડોદરા શહેર કોંગ્રેસના પ્રવકતા અને એડવોકેટ શૈલેષ અમીન દ્વારા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા વડોદરા ખાતે રામનવમીના દિવસે યોજાયેલા પાંચ કાર્યક્રમોમાં હાઇકોર્ટના હુકમનો અનાદર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગના હુકમનો ભંગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વડોદરા શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો છે. એ બાબતને લઈને પોલીસ કમિશનર અને જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જેમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સામે તાકીદે કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ અંગે આપેલા આવેદનમાં શૈલેષ અમીને જણાવ્યું છે કે, જયારે કોરોનાની સ્થિતિ કાબુ બહાર ગઈ ત્યારે જ હાઇકોર્ટ દ્વારા સુઓમોટો દાખલ કરીને ગુજરાત સરકારને ફરજ પાડતા કેટલાક હુકમો કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિ હોવા છતાં પણ પોતાની સ્વ પ્રસિદ્ધિ મેળવવાને માટે હાઇકોર્ટના હુકમનો અનાદર, ગુજરાત સરકારના ગૃહ વિભાગના હુકમનો ભંગ અને વડોદરા શહેર પોલીસના જાહેરનામાનો ભંગ કરીને ૨૧મીના રોજ વડોદરા ખાતે પાંચ જગ્યાએ સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરીને નિયત કરેલ સંખ્યા કરતા વધુ વ્યક્તિઓ ભેગા કરીને કોરોનાની મહામારી વધુ ફેલાય એવું ગુનાહિત કૃત્ય કરેલ છે.

જ્યારે સામાન્ય માનવી આવી કોઈ ભૂલ કરે કે અનાયાસે ભેગા થઇ જાય તો તેમની ભૂલને આકરા દંડથી વસૂલાય છે. જયારે ૨૧મીના રોજ સી.આર.પાટીલનું સોશ્યલ ડિસ્ટર્ન્સિંગ ભંગનું કાર્ય પૂર્વઆયોજિત હતું. એવો આક્ષેપ કરાયો છે. તેમજ એની સામે તાકીદે પગલાં લઈને કાર્યવાહી કરવા માગ કરી છે.