વડોદરા, તા. ૧૦ 

ગુજરાત માટી કામ કલાકારી બોર્ડના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય દલસુખભાઇ પ્રજાપતિની ગોરવા અને લક્ષ્મીપુરા ખાતે સી.કે. પ્રજાપતિ સ્કૂલ આવેલી છે. ટ્રસ્ટી મંડળે બંને સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ આપવાનું બંધ કરી દીધું છે. જેની પાછળનું કારણ વાલીઓ ફી ભરતા ન હોવાથી આ નિર્ણય લેવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત શાળા તરફથી ડી.ઈ.ઓ ને લખાયેલા પત્રમાં વાલીઓ ફી ભરશે તો જ પહેલી ઓગષ્ટથી ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવશે. કોરોનાની મહામારીમાં વાલીઓની હાલત કફોડી બની ગઇ છે,અનેક વાલીઓની નોકરીઓ છૂટી ગઇ છે. તો અનેક વાલીઓના ધંધા-રોજગાર ઠપ થઇ ગયા છે, ત્યારે સ્કૂલો દ્વારા ઓનલાઇન શિક્ષણના નામે ફી માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. મોટાભાગના વાલીઓ દ્વારા વ્યવસ્થા કરીને ફી ભરી દેવામાં આવી છે. કેટલાક વાલીઓ દ્વારા હજી પણ ફી ભરવામાં આવી નથી. એવામાં ગોરવા અને લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી સી.કે પ્રજાપતિ સ્કૂલના સંચાલકોએ ડી.ઈ.ઓ ને પત્ર લખીને સ્કુલ પાસે પૈસા ન હોવાથી ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. સ્કૂલના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ, વાલીઓ ફી ભરતા ન હોવાથી ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. તે અંગેની જાણ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને કરી દેવામાં આવી છે. સરકાર સ્કૂલોની ફી બાબતે નક્કર નિર્ણય લઇ રહી નથી. જેના કારણે સ્કૂલ સંચાલકો અને વાલીઓની સ્થિતિ કફોડી બની છે. વાલીઓ ફી ભરતા ન હોવાથી અમારી સ્કૂલના શિક્ષકો સહિત ૧૦૦ જેટલા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે.