વડોદરા : મારા ફલેટમાં અશોક જૈને જ મારી જાણ બહાર સ્પાય કેમેરા ફીટ કરાવ્યા હતા અને તેઓ તેમના ઈન્વેસ્ટરો સાથે સુઈ જવા માટે દબાણ કરતાં હતા એવો એક વધુ ચોંકાવનારો આક્ષેપ આજે બળાત્કારની પિડિતા યુવતિએ ડીસીબી સમક્ષ હાજર થઈ પોતાના સત્તાવાર નિવેદનમાં કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ગોત્રીના હાઈપ્રોફાઈલ રેપકેસમાં છઠ્ઠા દિવસે પણ પોલીસ આરોપીઓની નજીક સુધ્ધાં પહોંચી શકી નથી. ત્યારે આજે દિવસભર ક્રાઈમ બ્રાન્ચની ભદ્ર કચેરી ખાતેની ઓફિસમાં તપાસનો ધમધમાટ ચાલ્યો હતો. આજે બપોર બાદ મહિલા સુરક્ષા સમિતિના શોભનાબેનને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જાડેજા, એસીપી ચૌહાણ અને પીઆઈ ખેર દ્વારા વારાફરતી પૂછપરછ કરવામાં આવી હતી. ભોગ બનેલી યુવતીએ ફરિયાદને સમર્થન આપતું નિવેદન અને સંબંધીત સ્ફોટક પુરાવા આપ્યા હતા. આ સમગ્ર મામલાની પ્રાથમિક તપાસમાં યુવતીનું શોષણ થયું જ હોવાનું લાગી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બંને આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ પાંચ ટીમોની રચના કરવામાં આવી છે અને આરોપીઓના સંભવિત સ્થાનો, સંપર્કો અને આશ્રયસ્થાનોની તપાસ માટે રાજ્ય અને રાજ્ય બહાર ટીમો રવાના થઈ ચૂકી હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.

યુવતીની ક્રાઈમ બ્રાન્ચની ભદ્ર કચેરી ખાતે બપોરે ૧ વાગે શરૂ થયેલી પૂછપરછ રાતના ૮ વાગ્યા સુધી ચાલી હતી અને ફરિયાદની વિગતો ઉપરાંત પોલીસ અધિકારીઓએ બ્લેક મેઈલિંગ અને હનીટ્રેપની પણ શંકા દર્શાવી એ વિષયની પૂછપરછ કરી હતી. જાે કે, ભોગ બનેલી યુવતીએ છેલ્લા એક વર્ષ દરમિયાન એના વડોદરા નિવાસસ્થાનના જુદા જુદા દિવસોએ ઘટેલી ઘટનાનું વિગતવાર પોલીસ અધિકારીઓ સમક્ષ વર્ણન કર્યું હતું, એ પૈકી કેટલીક ઘટનાઓના પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. પીડિતાએ ફરિયાદને સમર્થન આપતું નિવેદન જુદા જુદા અધિકારીઓ સમક્ષ નોંધાવ્યું હતું. બાદમાં યુવતીનું શોષણ અને દુષ્કર્મ થયું જ હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું.

દુષ્કર્મની ઘટના અને ત્યાર બાદ ફરિયાદ સમયે અત્યંત ગભરાઈ ગયેલી યુવતીની માનસિક સ્થિતિ હવે સામાન્ય બની છે અને પોલીસ અધિકારીઓ સમક્ષ વિગતવાર ચિતાર આપી શકે છે. ખાસ કરીને બ્લેક મેઈલિંગના ઈરાદે અલ્પુ સિંધી નામના માથાભારે બૂટલેગરની ચઢવણીથી ફરિયાદ થઈ હોવાની શંકા ઊભી થઈ હતી. પરંતુ પૂછપરછ દરમિયાન પીડિતાની અલ્પુ સિંધી સાથે કેવી રીતે મુલાકાત થઈ અને કયા પ્રકારની મિત્રતા હતી અને દુષ્કર્મની ઘટના બાદ મોરલી સપોર્ટ અલ્પુ સિંધીએ આપ્યો હોવાનું જણાવ્યું હતું. એનો દારૂનો ધંધો છે એની સાથે મારે કોઈ લેવા-દેવા નહીં હોવાનું ઉમેર્યું હતું.

ડીસીબી સમક્ષ પીડિતાએ રજૂ કરેલી તસ્વીરો જાેઈ પોલીસ પણ સ્તબ્ધ!

પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી ઉપર દિવાળીપુરાના નિસર્ગ ફલેટના ૯મા માળે ગુજારાયેલા દુષ્કર્મના મામલામાં રોજેરોજ નવા ફણગા ફૂટી રહ્યા છે અને આ મામલાએ નવા વળાંકો લીધા છે. અત્યાર સુધી મેસેજાે અને સામ-સામે વિગતો બાદ રોજેરોજ તસવીરો બહાર આવી રહી છે જેમાં આરોપીઓ કઢંતી હાલતમાં હોવાની તસવીરો પણ સામેલ છે. ત્યારે હજુ સુધી મામલો બળાત્કારનો છે કે હનીટ્રેપનો એ નક્કી થઈ શક્યું નથી. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ સ્પાય કેમેરો કોણે લગાવ્યો છે અને છૂપી તસવીરો ખેંચી એ પણ નક્કી કરી શકાયું નથી. સામ-સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપોમાં બહાર આવેલી તસવીરોમાં પીડિતા સાથે નિસર્ગ ફલેટના બેડરૂમમાં સી.એ. અશોક જૈન યુવતી સાથે માત્ર પતિ-પત્ની રાખે એવા સંબંધોની અવસ્થામાં નજરે પડે છે. જ્યારે પાવાગઢ મંદિરનો ટ્રસ્ટી રાજુ ભટ્ટ નિર્વસ્ત્ર બની દુષ્કર્મ આચારતો હોવાનું સ્પષ્ટપણ જાેઈ શકાય છે. સમાજમાં મોભી થઈને ફરતા લોકો મોટી ઉંમરે પણ અડધાથી ઓછી ઉંમરની યુવતી સાથે રંગરેલિયા મનાવતા હોવાનો આ સ્પષ્ટ પુરાવો છે. પીડિતાએ આ મામલે તસવીરો અને વોટ્‌સએપ ચેટ તેમજ કોલની વિગતો પોલીસને સોંપી છે જે પુરાવા તરીકે પોલીસે રાખી એને એફએસએલમાં મોકલી તસવીરો સાથે કોઈ છેડછાડ કે માફિંગ તો નથી કરાયું ને? એની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરાવાશે.

પિડીતાનો મદદગાર બુટલેગર અલ્પુ સિંધી ભૂર્ગભમાં

ગોત્રીના હાઈપ્રોફાઈલ રેપકાંડમાં આરોપીઓ કરતાં પહેલા બૂટલેગર અલ્પુ સિંધીને ઝડપી પાડવો જરૂરી બન્યું છે. કારણ કે, આરોપીઓ તરફથી અલ્પુ સિંધીને જ મુખ્ય સૂત્રધાર હોવાની રજૂઆત વકીલો મારફતે કરાઈ છે. ત્યારે ૧૪મી સપ્ટેમ્બરની રાત્રિ આખા પ્રકરણમાં મહત્ત્વની બની રહી છે. આખો મામલો ૧૪ સપ્ટેમ્બરની રાતની આસપાસ જ ફરી રહ્યો છે. ત્યારે અલ્પુને પોલીસ ઝડપી લે ત્યાર બાદ પીડિતા યુવતીને અલ્પુનો ડર દૂર થાય તો જ સાચી હકીકત જણાવી શકશે એમ મનાય છે. ત્યાર બાદ જે મામલો બળાત્કારનો છે કે હનીટ્રેપનો એ બહાર આવી શકે એમ છે. આરોપી તરફથી પોલીસ સમક્ષ રજૂઆત થઈ છે કે ૧૪મી સપ્ટેમ્બરે ભોગ બનેલી યુવતી સી.એ. અશોક જૈનની ઓફિસમાં આઈટીઆર ફાઈલ કરાવવા આવી હતી. લાંબો સમય રોકાયા બાદ રાત્રિના પોણા આઠ વાગે હસતી મુદ્રામાં ઓફિસની બહાર આવે છે, એવા સીસીટીવી ફુટેજ છે એટલે પીડિતા ૧૪મી સપ્ટેમ્બરની સાંજે ખુશહાલ અને સહીસલામત હતી અને ૧૫મીએ વહેલી સવારે જ પાંચ વાગે પીડિતા ફોન કરી મને અલ્પુ સિંધીએ ખૂબ જ મારી હોવાનું જણાવે છે. બાદમાં ૯ વાગે એવરીથિંગ ઈઝ ફાઈન, ડોન્ટ વરી એવો મેસેજ પાઠવે છે. ત્યારે અલ્પુથી ડરી જઈ ગભરાયેલી પીડિતાને ખોટી ફરિયાદ કરવા ધમકી આપી અલ્પુ સિંધીએ તૈયાર કરી હોવાનું માનવામાં આવે છે અને ફરિયાદ થઈ અને એના પણ બે દિવસ સુધી અલ્પુ સિંધી વોન્ટેડ હોવા છતાં પોલીસ મથકની બહાર યુવતીના સમર્થનમાં રહેતો હતો અને હજુ સુધી એના માણસો યુવતી સાથે પોલીસ મથકમાં પણ હોય જ છે. ત્યારે પોલીસે અલ્પુ સિંધીને ઝડપી પાડવાનું જરૂરી બન્યું છે. પોલીસના કબજામાં અલ્પુ આવ્યા બાદ પીડિતા ખોફમાંથી બહાર આવે એવી શક્યતાઓ જાેવાઈ રહી છે. દરમિયાન યુવતી દ્વારા આરોપીને આઈ લવ યુ... અનકન્ડિશનલીનો વોટ્‌સએપ પાઠવીને યુ વીલ રીયલાઈઝ ઈટ સમ-ડે નો મેસેજ લવના નિશાન દિલ સાથે પાઠવ્યો હોવાનું વાયરલ થયું છે. ત્યારે આ મામલો બળાત્કારનો છે કે હનીટ્રેપનો એ સાબિત કરવા માટે આરોપીઓ કરતાં વધારે પોલીસને અલ્પુ સિંધીને ઝડપી પાડવાની જરૂરિયાત હોવાનું માનવામાં આવે છે.

સમાધાન કરાવી જંગી તોડનો પ્રયાસ કરનાર ડીસીબી પી.આઈ જાડેજાની બદલી

ગોત્રી રેકકાંડના આરોપીને મદદ કરી આર્થિક લાભ મેળવવાની લાલચમાં લાગેલા ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એ.બી.જાડેજાની શિક્ષાત્મક બદલી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચમાંથી સીધા લીવ રિઝર્વ ટ્રાફિકમાં એ.બી.જાડેજાની બદલી કરવાનો આદેશ શહેર પોલીસ કમિશનર ડો. સમશેરસિંગે કર્યો હતો. એની પાછળ આરોપીને મદદ કરવા માટે જવાબદાર કારણ ભારે રસપ્રદ હોવાનું બહાર આવ્યું છે. જેમાં આરોપી અશોક જૈન દ્વારા યુવતીના મિત્ર અલ્પુ સિંધીને મોબાઈલ ફોન ઉપર મોકલાયેલા યુવતીના આપત્તિજનક અવસ્થાના ફોટાઓ બાદ આખા મામલાએ ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું. બાદમાં અલ્પુ સિંધીએ પણ મિત્રને અશોક જૈનને વોટ્‌સએપ કોલ કરી ધમકાવવા માટે જણાવ્યું હતું અને મિત્રે એમ કરી અશોક જૈનને ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલું છું, તમારા વિરુદ્ધ ફરિયાદ આવી છે, તમારે પોલીસ સ્ટેશને આવવું પડશે એમ જણાવ્યું હતું. જેના પગલે ગભરાયેલા અશોક જૈને પોતાના મિત્રને જણાવતાં જ મિત્રે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈનો સંપર્ક કર્યો હતો અને પીઆઈ જાડેજાને ફોનની વાત કરવા કચેરીએ પહોંચ્યા હતા. એ સમયે પીઆઈ જાડેજા આખી ઘટના વર્ણવતા પીઆઈને લાલચ જાગી હતી અને ફોન કરનાર અને અન્ય શખ્સને ફોન કરી સમાધાન કરી લેવાનું જણાવ્યું હતું. જાે કે, સમાધાન થયું ન હતું અને બાદમાં યુવતીએ ફરિયાદ કરી જ દીધી હતી. ફરિયાદ થતાં અગાઉ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈએ ભજવેલી શંકાસ્પદ ભૂમિકાની ફરિયાદ થયા બાદ પોલીસ કમિશનરને જાણ થતાં એમની જાણ બહાર અને વિશ્વાસમાં લીધા વગર થયેલી કાર્યવાહીને પગલે પીઆઈની ક્રાઈમ બ્રાન્ચમાંથી સીધી જ લીવ રિઝર્વ ટ્રાફિકમાં બદલી કરી દીધી હોવાની ચર્ચા પોલીસબેડામાં ચાલી રહી છે.