અમદાવાદ,, કોરોના વાયરસ દેશ સહિત દુનિયાભરમાં કહેર મચાવી ચૂક્યો છે. ગુજરાતમાં દિવાળીના તહેવારમાં લોકોના મોટી સંખ્યામાં બહાર નીકળ્યા બાદ અચાનક કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હતો, પરિણામે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્‌યૂ લાગુ કરવામાં આવ્યું છે. કોરોનાના કારણે આ વર્ષે અમદાવાદના રિવરફ્રન્ટ પર આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન પણ રદ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આ વર્ષે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ નહીં યોજવાનો ર્નિણય કર્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરી ટકોર કરી હતી. હાલમાં જ દિવાળી ટાણે રાજ્યમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થયો હતો. લોકોની બેદરકારી અને રાજ્ય સરકારની કાયદાનો અમલ કરાવવામાં ઢીલાશની હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી. એવામાં ઉત્તરાયણના પર્વને લઈને સરકાર એસઓપી જાહેર કરી શકે છે તેમજ ઉત્તરાયણની ઉજવણીમાં પોલીસ દ્વારા પણ મોનિટરીંગ રાખવામાં આવી શકે છે. ગુજરાત હાઈકોર્ટે પીઆઈએલની સુનાવણીમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ન્યૂ યર અને ઉત્તરાયણના તહેવારોમાં સજાગ તેમજ સાવચેત રહે. લોકોની નારાજગીની ચિંતા રાજ્ય સરકાર ના કરે અને રાજ્યમાં કાયદાનું યોગ્ય પાલન કરી જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકે. દિવાળીની જેમ કોરોનાના કેસો પર કાબૂ મેળવવાની પ્રક્રિયા પર ન્યૂ યર અને ઉત્તરાયણની ઉજવણીથી પાણી ફરી ના જાય. હાઈકોર્ટની આકરી ટકોર બાદ રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેતા આ વર્ષે રિવરફ્રન્ટ પર આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ કરવાનો ર્નિણય લીધો છે. બીજી તરફ કોરોના કાળમાં આંતરાષ્ટ્રીય ફ્લાઈટ હજુ રાબેતા મુજબ શરૂ નથી થઈ અને કોરોનાનું સંકટ સમગ્ર દુનિયામાં ફેલાયેલું હોવાથી પતંગ મહોતસ્વમાં આવતા વિદેશી પતંગબાજાે પણ આવશે કે કેમ તે અંગે શંકાઓ સેવાતી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે અગાઉ આ વર્ષના વાઇબ્રન્ટ નવરાત્રિના આયોજનને પણ રદ કરવાની જાહેરાત કરી હતી.