આણંદ : ગતરોજથી પાલિકાના આગામી ચૂંટણી જંગનું રણશિંગુ ફોર્મ ભરવાની પ્રક્રિયા સાથે ફૂંકાઇ ગયું છે. બંને મુખ્ય રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારની જાહેરાત પર સસ્પેન્શ બનાવવામાં આવ્યું છે. બીજી બાજુ બંને પક્ષના નેતાઓની મેલી મથરાવટીના કારણે કેટલાંક વોર્ડમાં ઉમેદવાર મુદ્દે ફાંફા પડી રહ્યાં છે. અહીં અપક્ષ પર દારોમદાર રહેશે એવી શક્યતા જાેવાઈ રહી છે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર, આગામી તા.૨૮મીના આણંદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણી અંતર્ગત સોમવારથી ઉમદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવા પામી છે. પંથકના રાજકારણમાં આણંદ પાલિકા પર રાજકીય પક્ષના ડોળા મંડરાયા હોવાથી આણંદ પાલિકાનો જંગ સૌથી મહત્વનો બન્યો છે. જાેકે, ખાટલે મોટી ખોડ એ છે કે, પાલિકાના બંને મુખ્ય પક્ષ માટે ઉમેદવાર પસંદગીના મુદ્દે કમઠાણ સર્જાયું છે. આણંદ પાલિકાના તેર પૈકી કેટલાંક વોર્ડમાં બંને પક્ષના નેતાઓના અગાઉ વિકાસના કામો બાબતની મેલી મથરાવટીના કારણે ફાંફા પડી રહ્યાં છે. પાલિકાના શાસકોએ તેમનાં શાસન કાળ દરમિયાન પૂર્વ વિસ્તારની સુવિધાઓ આપવા બાબતે ઉપેક્ષા કરતાં હવે ઉમેદવાર મુદ્દે અસમંજતા વ્યાપી ગઈ છે.

બીજી બાજુ વિપક્ષના ધારાસભ્ય હોવા છતાં પશ્ચિમ વિસ્તારમાં પોતાની ગ્રાન્ટનો ઉપયોગ ન કરતાં અહીં વોર્ડ વિસ્તારમાં વિપક્ષ માટે ઉમેદવારના મુદ્દે અવઢવની સ્થિતિ ઊભી થવા પામી છે. જાેકે, બંને પક્ષ દ્વારા ઉમેદવાર મુદ્દે હજુ સસ્પેન્શ યથાવત છે. ભાજપની નવી નીતિના કારણે જૂના જાેગીઓના પતા કપાવાની શક્યતા જાેવામાં આવી રહી હોય ગામતળ સહિતના વોર્ડમાં ભાજપ માટે સમસ્યા ઊભી થઈ છે. પરિણામે આણંદ પાલિકા જંગમાં અપક્ષનંુ વજન વધશે, એવી ચર્ચા એરણે ચઢવા પામી છે.

નવાઈ ની વાત એ છે કે, અન્ય રાજકીય પક્ષને જાે આ વોર્ડમાંથી ઉમેદવાર મળી શક્તાંં હોય તો બંને મુખ્ય રાજકીય પક્ષને ફાંફા કેમ? કુછ તો ગરબડ હૈ...ની આશંકા વ્યક્ત થઈ રહી છે.

ઉમેદવાર જાહેરાતમાં અસંતોષની જ્વાળા વકરે તે પૂર્વ પ્રદેશ ભાજપે પાણી પહેલાં પાળ બાંધી

ભાજપ દ્વારા આગામી ચૂંટણી જંગ અંતર્ગત નવી નીતિનું અમલીકરણ કરતાં અગાઉ મહાપાલિકાના ઉમેદવાર પસંદગી પર અસંતોષ વકરવા પામ્યો હતો, જેમાંથી બોધપાઠ લેવાયો હોય બીજા તબક્કાના ચૂંટણી મુદ્દે ઉમેદવાર પસંદગીની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. તે પૂર્વ અસંતોષ વકરે તેવી આશંકાના પગલે પ્રદેશ ભાજપે પાણી પહેલાં પાળ બાંધી લીધી છે. હાલ નારાજગી પર નેતાઓ, કાર્યકરોના વિરોધની આંતરિક માહિતી મેળવવામાં આવી રહ્યાંનું જાણવા મળ્યું છે. અસંતોષની જ્વાળા વકરે તે પૂર્વ ડામી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.