વડોદરા : બરોડા સેન્ટ્રલ કો.ઓપ. બેન્ક, બરોડા ડેરી અને કરજણ વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં જ જિલ્લાાન રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બરોડા સેન્ટ્રલ કો.ઓપ. બેન્કની આગામી તા.૨૭મી ઓકટોબરે યોજાનારી ચૂંટણી માટે બેન્કના વર્તમાન ચેરમેન, ભાજપ પ્રેરિત સહકારી પેનલના ઉમેદવાર સહિત આજે ર૬ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યાં હતાં. 

બરોડા સેન્ટ્રલ કો.ઓપ. બેન્કના ચેરમેન અતુલ પટેલ, બરોડા ડેરીના ચેરમેન દિનુમામા, બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી.સોલંકી, સતીષ પટેલ (નિશાળીયા), અજિત પટેલ, પાર્થિવ પટેલ સહિત ભાજપ પ્રેરિત સહકારી પેનલના ૧૪ ઉમેદવારોએ આજે ઉમેદવારીપત્રો ભર્યાં હતાં. આ વખતે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સહકાર પેનલના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી બાજુ સાવલીના ડો.પ્યારેસાહેબ રાઠોડ સહિત આજે કુલ ર૬ ઉમેદવારીપત્રો ભરાયાં હતાં. આજે નોંધાયેલા ઉમેદવારોમાં અ-વિભાગમાં ર૧, બ-વિભાગમાં ર, ક-વિભાગમાં ૧ અને ડ-વિભાગમાં ર ઉમેદવારીપત્રો ભરાયાં હતાં. ચૂંટણી અધિકારી વિજય પટણીએ જણાવ્યું હતું કે, સોમવારે અને મંગળવારે એમ બે દિવસ ફોર્મ સ્વીકારવામાં આવશે. તા.૭મીએ ફોર્મની ચકાસણી અને તા.૧૨ થી ૧૬ દરમિયાન ફોર્મ પાછા ખેંચાશે. તા.ર૭મીએ ચૂંટણી અને તા.ર૮મીએ મતગણતરી થશે. ૧૪ બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ગામડાઓની ૧૧ વિકાસ મંડળીઓ માટે ૧૧ બેઠકો, નાગરિક સહકારી બેન્ક અને ક્રેડિટ સોસાયટીની રપ૦ સંસ્થાઓ માટે ૧ બેઠક, ખરીદ વેચાણ સંઘ વિભાગની ૧૩૫ મંડળીઓના વિભાગ માટે ૧ અને દૂધડેરી, હાઉસિંગ વગેરે પપ૦ મંડળીઓ માટે ૧ બેઠકનો સમાવેશ થાય છે. કોરોના મહામારીના કારણે બરોડા ડેરી, સેન્ટ્રલ કો.ઓપ. બેન્ક અને કરજણ વિધાનસભાની પેટાચૂંટણીના પગલે સોશિયલ મીડિયા પર ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.

બરોડા ડેરીની ચૂંટણી માટે પેનલો બનાવવા કવાયત

વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ બરોડા ડેરીની આગામી તા.પમી નવેમ્બરે યોજાનારી ચૂંટણીની પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરાયા બાદ શનિવારે ચૂંટણી અધિકારીની કચેરીમાં વાંધાઅરજીઓ પર સુનાવણી હાથ ધરી તમામને સાંભળવામાં આવ્યા હતા. આજે આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેમાં ૧૧૫૦ જેટલી વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ ૧૩ બેઠકો પર ઝોનવાઈઝ મતદાન કરશે. બરોડા ડેરીની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે પેનલો બનાવવા કવાયત શરૂ કરી દીધી છે.