ભરૂચ, ભરૂચમાં આગામી નગરપાલિકા, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારી પત્રો ભરાવાની શરૂઆત થઈ હતી. સવારથી જ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો અને અપક્ષોએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભરવા માટે કલેકટર કચેરી અને તાલુકા કચેરી ખાતે દોડી આવતાં સવારથી જ આ બંને કચેરીઓ રાજકીય રંગે રંગાઈ હતી.

ભાજપ કોંગ્રેસ અને અપક્ષ સહિત વિવિધ પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે જીલ્લા કલેકટર કચેરી ખાતે આવ્યા હતા. જેમણે નારાબાજી સાથે ઉમેદવારોના હારતોરા કરી વધાવ્યા હતા. વહેલી સવારથી જ ભરૂચમાં રાજકીય ચહલ પહલ વધી હતી. ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને જીલ્લા ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની હાજરીમાં જીલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ નગરપાલિકાના ભાજપના ઉમેદવારોએ વિધીવત પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા. વોર્ડ નં.૭માંથી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભિબેન તમાકુવાલાએ પોતાની પેનલ સાથે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે વોર્ડ નં.૭માંથી જ કોંગ્રેસના દિનેશ અડવાણી અને ભાજપામાંથી કોંગ્રેસમાં ગયેલા યુવા આગેવાન શંકર પટેલ સહિતની પેનલે પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે વોર્ડ નં.૯માં વર્ષોથી અપક્ષ તરીકે અને પાછળથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપના નેતા સતીષ મિસ્ત્રીને પણ આ વખતે ભાજપે ટીકિટ ન આપતા તેમણે પણ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત ભાજપ તથા કોંગ્રેસ સહિતના ઉમેદવારોએ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી.ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે ભાજપાના વિજયનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભરૂચ નગરપાલિકામાં બેતૃત્યાંશ બહુમતીથી ભાજપ ફરીથી સત્તા હાંસલ કરશે.