ન્યૂ દિલ્હી

શિખર ધવનની અધ્યક્ષતાવાળી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે ૩ મેચની વનડે સિરીઝ જીતી લીધી છે. ભારતે બીજી વનડેમાં યજમાનોને ૩ વિકેટે હરાવી ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦ ની લીડ મેળવી લીધી છે. આજે ત્રીજી વનડે રમશે

ધવન પહેલીવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર કપ્તાન સંભાળી રહ્યા છે. સાથી ખેલાડીઓમાં 'ગબ્બર' તરીકે જાણીતા ધવને સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે ટીમના ઉપ-કેપ્ટન ભુવનેશ્વર કુમાર અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે ડિનર લેતા જોવા મળે છે.

ધવને આ ફોટોને કેપ્શન આપતા કહ્યું 'સુંદર કંપની સાથે સુંદર રાત્રી.' આ ફોટામાં ભુવીની પત્ની નૂપુર પણ ડિનર ટેબલ પર બેઠા છે. ભુવીએ બીજી વનડે જીતવામાં ટીમ ઈન્ડિયાની પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. ભુવનેશ્વરે દીપક ચહર સાથે એક છેડો પકડ્યો હતો અને બંનેએ 8 મી વિકેટ માટે ૮૪ રનની અણનમ ભાગીદારી કરી ટીમને ભારતને રોમાંચક મેચમાં શાનદાર વિજય અપાવ્યો હતો.

દિપક ચહરને અણનમ ૬૯ રન બનાવ્યા જ્યારે ભુવીએ અણનમ ૧૯ રનનું યોગદાન આપ્યું હતું. ૨૭૬ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે મેચ ૭ વિકેટના નુકસાન પર જીતી લીધી હતી.