ઘરે ભુલાઇ ગયેલી મેમોબુક લઈને જઇ રહેલા બે પોલીસકર્મીને કારે અડફેટે લીધા

વડોદરા,તા. ૨૩

ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓ ગઈકાલે સાંજે ડ્યુટી પર જતી વખતે મેમોબૂક ઘરે ભૂલી જતા તે લેવા માટે પરત ગયા હતા. મેમોબૂક લઈને પોતાના પોઇન્ટ પર જતી વખતે ગોત્રી વિસ્તારમાં તેમની મોટરસાઈકલને પાછળથી પુરઝડપે આવી રહેલી એક કારે અડફેટે લેતા બંને પોલીસકર્મીઓ બાઈક પરથી ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. કારચાલક અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઇ ગયો હતો. જ્યારે, બંને પોલીસકર્મીઓને સારવાર માટે લઇ જવાતા બંનેને ફ્રેક્ચર થયા હોવાનું જાણવા મળ્યું છે. ગોત્રી પોલીસમથકે કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા જશુભાઈ દલસુખભાઈ વસાવા તેમજ ઈશ્વરભાઈ રમણભાઈ માછીની ગઈકાલે સાંજે ૪ઃ૩૦થી રાત્રે ૯ વાગ્યા સુધી ડ્યુટી હતી. જોકે, ડ્યુટી માટેના પોઇન્ટ પર જતી વખતે ઈશ્વરભાઈ મેમોબૂક ઘરે ભૂલી ગયા હોવાથી બંને જણા મેમોબૂક લેવા ઈશ્વરભાઈના ઘરે ગયા હતા. જ્યાથી સાંજે ૫ઃ૩૦ વાગે પરત આવતી વખતે જય જલારામનગર પાસે પાછળથી પુરઝડપે આવી રહેલ એક ફોરવ્હીલ કારના ચાલકે તેમના બાઇકને અડફેટે લેતા બંને જણા ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. જોકે, તે સમયે નજીકમાંથી પસાર થઇ રહેલ લોકોના ટોળા ઉમટી પડતા કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. બંને પોલીસકર્મીઓને સારવાર માટે નજીકના ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યા તેઓને ફ્રેક્ચર થયા હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે ગોત્રી પોલીસમથકે ફરાર કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.