અમદાવાદ, શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પંરંતુ કોરોનાના એક્ટિવ કેસોમાં ઘટાડો ધીમો જાેવા મળી રહ્યો છે. હજુ પશ્ચિમ અમદાવાદમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. હાલમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોઝિટિવ કેસ મળી રહ્યા છે, પરંતુ દિવાળી સમયે એક સાથે અનેક સોસાયટીઓમાં ઢગલાબંધ કેસ નોંધાયા તેવી સ્થિતિ હાલમાં જાેવા મળતી નથી. ઉપરાંત માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. પશ્ચિમ અમદાવાદનાં પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં હજુય કોરોનાના કેસો આવી રહ્યા છે. તે સિવાય દક્ષિણ ઝોનમાં અને ઉત્તર ઝોનમાં કોરોનાના કેસો નોંધાવાનું ચાલું છે. અન્ય ઝોનમાં કેસ ઓછાં નોંધાઈ રહ્યા છે તેવી માહિતી આપતા મ્યુનિ. સૂત્રોએ કહ્યું કે, જ્યાં નાગરિકો સૌથી વધુ સાવચેતી રાખી રહ્યા છે તેવા પશ્ચિમ અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે પડતું છે.  

જ્યારે જ્યાં નાગરિકો હવે સાવ બેદરકારી દાખવી રહ્યા છે તેવા મધ્ય ઝોનમાં કોરોનાના કેસ વધુ પ્રમાણમાં નોંધાયા નથી, પરંતુ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તે નિશ્ચિત છે, એવામાં કોરોનાના કેસ વધવાની પણ શક્યતા નકારી શકાતી નથી. મ્યુનિ. સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા અને કમિશનર મુકેશકુમારે શહેરમાં કોરોનાને અટકાવવા માટે મ્યુનિ. દ્વારા લેવાતા પગલાની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં વટવા, મણીનગર, પાલડી, વાસણા, વસ્ત્રાલ, વેજલપુર, ગોતા અને ઘાટલોડિયા વિસ્તારમાં કુલ મળીને ૨૦ સોસાયટીઓને માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવામાં આવી હતી, જ્યારે શનિવારે નવી કઈ જગ્યા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં જાહેર કરાઈ નથી. મ્યુનિ. હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવી રહ્યું છે, તેમ છતાં હેલ્થ ખાતા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે અને સ્ક્રીનિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે. આ સર્વેમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાશે તેવા વ્યક્તિના સેમ્પલ લેવામાં આવશે.