વડોદરા, તા. ૧૩ 

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન દ્વારા આજે ધોરણ ૧૨ ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જોકે, પરિણામ જાહેર થતાની સાથે સવારથી જ સી.બી.એસ.ઈ ની વેબસાઈટ ક્રેશ થઇ જતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. જોકે, સી.બી.એસ.ઈ દ્વારા જે તે શાળાઓને ઇમેઇલ મારફતે પણ વિદ્યાર્થીઓના પરિણામો મોકલાતા હોઈ મોટાભાગના વિદ્યાર્થીઓએ ઓનલાઇન રિઝલ્ટ જોવાની જગ્યાએ પોતાની સ્કૂલો પર ફોન કરીને પરિણામો જાણવા પડયા હતા. વડોદરા શહેરમાં આવેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અંતર્ગત આવતી શાળાઓમાં ૫ હજારથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અગાઉથી જાહેરાત કર્યા વિના આજે અચાનક સી.બી.એસ.ઈ એ ધોરણ ૧૨નું રિઝલ્ટ જાહેર કર્યું હતું. જેના કારણે વહેલી સવારથી સીબીએસઈની વેબસાઈટ પર રિઝલ્ટ જોવા માટે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો ધસારો થતા વેબસાઈટ ક્રેશ થઇ ગઈ હતી. જોકે, સી.બી.એસ.ઈ પોતાની સાથે સંલગ્ન તમામ શાળાઓમાં તેમની ત્યાંથી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના પરિણામો મોકલી દેતી હોવાથી શાળાઓ પર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના ફોન આવવાના શરુ થઇ ગયા હતા. મોટાભાગના કિસ્સાઓમાં આજે જાહેર કરવામાં આવેલું રિઝલ્ટ વિદ્યાર્થીઓએ સ્કુલ પાસેથી જાણ્યું હોવાની માહિતી સાંપડી છે. શહેરની સી.બી.એસ.ઈ સંલગ્ન તમામ શાળાઓનું પરિણામ ૯૦%થી વધુ આવ્યું છે. અર્થાત મોટાભાગના વિદ્યાર્થીઓ પાસ થયા છે. અત્યાર સુધી માત્ર સીબીએસઈ ના પરિણામો જ બાકી હોવાથી વિદ્યાર્થીઓ અવઢવમાં હતા. જોકે, આજે પરિણામો જાહેર થઈ જતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો.  

કોરોનાને કારણે શાળાઓ પર ભીડ ઘટી

સામાન્ય રીતે પરિણામો જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓને સ્કુલ પર બોલાવવામાં આવતા હોય છે અને તેમની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ્‌સ આપવામાં આવતા હોય છે. જોકે, હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઘરે રહીને જ પાસ થવાની તેમજ સારા માર્ક્સ મેળવવાની ખુશી મનાવી હતી.