દિલ્હી-

છેલ્લા પાંચ દાયકામાં પહેલીવાર બનશે કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં કોઈ મુખ્ય મહેમાન નહીં હોય. તેમજ આર્મીના દિગ્ગજ, મોટરસાયકલ સ્ટંટ બતાવનારા લોકો પરેડનો હિસ્સો નહીં હોય. કોરોના પ્રતિબંધોને કારણે પરેડની લંબાઈ પણ ઓછી કરવામાં આવી છે. આ વખતે પરેડ લાલ કિલ્લા પહેલા રાષ્ટ્રીય સ્ટેડિયમમાં જ સમાપ્ત થશે. 

બ્રિટનમાં ફેલાઈ રહેલા કોરોના નવા સ્ટ્રોનની અસર ભારતના પ્રજાસતાક દિવસની ઉજવણી પર પડી. જેના કારણે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનએ તેના ભારતના પ્રવાસને રદ્દ કરવો પડ્યો છે. બોરીસ જોન્સન 26 જાન્યુઆરીના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવાના હતા. બોરિસ જોન્સનએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને ભારત આવવામાં અસમર્થતા દર્શાવી હતી.

જોનસનએ કહ્યું કે તેમના માટે બ્રિટનમાં રહેવું જરૂરી છે જેથી તે કોરોનાની મહામારીને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. જો કે, બ્રિટિશ વડાપ્રધાને પણ આભાર માન્યો કે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં તેમને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા. જોનસનની મુલાકાત રદ થયા પછી આ ચોથી વખત છે, જ્યારે 26 જાન્યુઆરીએ કોઈ વિદેશી મુખ્ય મહેમાન નહીં આવે. આ અગાઉ 1952, 1953 અને 1966 ની સાલમાં વિદેશી મહેમાનો વિના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની મહામારીને કારણે આ વર્ષે કારણે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ વખતે પરેડની લંબાઈ ટૂંકી રાખવામાં આવી છે. જ્યારે એનસીસી કેડેટ્સની સંખ્યા પણ ઓછી રાખવામાં આવી છે. દર વર્ષે પરેડ જોવા આવતા સામાન્ય લોકોની સંખ્યામાં પણ ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, પ્રજાસત્તાક દિવસ અંગે ઉત્સાહનો અભાવ નથી.