દાહોદ

દાહોદ જિલ્લા પંથકમાં કોરોનાની મહામારીમાં સરકારની ગાઈડ લાઈન મુજબ ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહનો માહૌલ જાેવા મળી રહ્યો છે. ઉત્તરાયણ પર્વે દાહોદવાસીઓ લાખો રૂપિયાના ઊંધિયું જલેબી તેમજ લીલવાની કચોરી ઝાપટી જશે અને પોતાના મકાનના ધાબા પર ચડી એ કાઇપો એ કાઈપોના શોર વચ્ચે દાહોદવાસીઓ પતંગનું આકાશી યુદ્ધ ખેલી આનંદ માણશે. ગઈકાલથી જ દાહોદના પતંગ બજારમાં ઘરાકી નીકળતા પતંગના વેપારીઓમાં ખુશી જાેવા મળી રહી છે. દાહોદના પતંગ બજારમાં વિવિધ પ્રકારના નાના મોટા પતંગો જાેવા મળી રહ્યા છે. હાલ કોરોના મહામારી ચાલતી હોય ગો - કોરોના ગો - ના લખાણો વાળા પતંગનો ભારે ક્રેઝ જાેવા મળી રહ્યો છે. આ વખતે કાચા માલની અછતના કારણે પતંગ તથા દોરીના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો થતા તેની સીધી અસર પતંગ અને દોરાની ખરીદી પર જાેવા મળી રહી છે. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આવી જાય ત્યારે ગૃહિણીઓએ પોતાના મકાનની અગાસી તથા ધાબાની સાફસૂફી કરી દીધી હતી. જ્યારે પતંગ રસિયાઓ પતંગ અને દોરીની ખરીદી માટે બજારમાં ઉતરી પડયા હતા અને દાહોદના પતંગ બજારો મધરાત સુધી પતંગ દોરાની ઘરાકી થી ધમધમતા રહ્યા હતા. તેમજ દોરી સુતવાના ચરખા ઓપણ મધરાત સુધી ફરતા રહ્યા હતા. ઉત્તરાયણનો તહેવાર કોરોનાની મહામારીમાં સરકારની ગાઇડ લાઇનના પાલન સાથે લોકો ઊજવે તેને લઈને દાહોદ પોલીસ તમામ તૈયારીઓ સાથે સજ્જ બની છે.