અરવલ્લી,તા.૩ 

કોરોના વૈશ્વિક મહામારીમાં પણ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા સહીત મોડાસા શહેરમાં કોરોનાના કહેર વચ્ચે સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ શુભમુહર્તમાં પોતાના લાડકવાયા ભાઈઓના હાથે રાખડી બાંધી તેમની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.રક્ષાબંધનના તહેવારને લઈ વહેલી સવારથીજ લોકોમાં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો.બહેનોએ ભાઈઓ માટે બજારમાં મળતી અવનવી યથાશક્તિ મુજબ રાખડીઓ ખરીદી કરી હતી. બાળકોમાં લાઈટ અને કાર્ટૂનવાળી રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.શુભમુહર્તમાં બહેનોએ ભાઈઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી રાખડી બાંધી હતી.રક્ષાબંધનમાં કેટલાક મુસ્લિમ ભાઈઓના ઘરે હિન્દૂ બહેનો રાખડી લઈ અને મુસ્લિમ બહેનો હિન્દૂ ભાઈઓના ત્યાં રાખડી લઈ રક્ષાબંધની ભાવપૂર્વક ઉજવણી થતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા.શ્રાવણ માસની નારિયેળી પૂનમ બ્રાહ્મણો માટે અનેરું મહત્વ ધરાવે છે.જનોઈ બદલાતા હોય છે. મોડાસાના ગોકુલનાથજી મંદિર નજીક આવેલ બ્રાહ્મણ સમાજવાડીમાં આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે બ્રાહ્મણોએ માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટન્સ સાથે સમૂહમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ પોતાની જનોઈ પવિત્ર શ્લોક ઉચ્ચારણ અને પૂજા-અર્ચન સાથે બદલી નવી જનોઈ ધારણ કરી હતી.