દિનેશ પાઠક, ગુજરાત સરકારની માલિકીની વીજ કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ સામે હવે કેન્દ્ર સરકાર અને હિમાચલ પ્રદેશ સરકારના સંયુક્ત સાહસ રૃપે બનેલી એસજેવીએન કંપનીએ ઇલેક્ટ્રિસિટી માટેની એપેલેટ ટ્રિબ્યુનલમાં રીટ કરી છે. આ રીટ ધોલેરા સર ખાતે ૭૦૦ મેગાવોટના સોલર પ્રોજેક્ટ માટે એસજેવીએન સહિતની પાંચ કંપનીઓના ટેન્ડર સ્વીકારી લેટર ઓફ ઇન્ટેન્ટ આપ્યા બાદ ટેન્ડર રદ કરવાની કાર્યવાહી સામે કરવામાં આવી છે. એપેલેટ ટ્રિબ્યુનલ ફોર ઇલેક્ટ્રિસિટીએ આ કંપનીઓની રીટને સ્વીકારવા માટે કરેલી માગના પગલે તાકીદની સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ ટ્રિબ્યુનલના આ કેસમાં વચગાળાનો આદેશ ન આવે ત્યાં સુધી કોઇ જ ફેરફાર કરી નહિ શકે. ટ્રિબ્યુનલે તેનો ચુકાદો હાલમાં અનામત રાખ્યો છે.

ધોલેરા સર ખાતેની ૭૦૦ મેગાવોટના સોલર પ્રોજેક્ટ માટે પાંચ કંપનીઓએ તેમના બીડ આપ્યા હતા. જેમાં એસજેવીએનએ ૧૦૦ મેગાવોટ માટે પ્રતિયુનિટ રૃ.૨.૮૦, વેના એનર્જી અને ટાટા પાવર લિમિટેડે ૧૦૦ – ૧૦૦ મેગાવોટ સોલર પાવર માટે પ્રતિ યુનિટ રૃ.૨.૭૮નો ભાવ ભર્યો હતો. જ્યારે ઓટુ પાવર કંપનીએ પ્રતિ યુનિટ રૃ.૨.૮૧નો ભાવ ભર્યો હતો. તમામની બીડ સ્વીકારી લેવામાં આવ્યા બાદ હવે તેને રદ કરવામાં આવી છે. જીયુવીએનએલને સોલર પાવર માટે પ્રતિ યુનિટ રૃ.૧.૯૯ની બીડ તાજેતરમાં મળી હતી તેના પગલે ધોલેરા સર ખાતેના પાવર પ્રોજેક્ટના બીડ રદ કરવા – ફેરફાર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. હવે રિન્યુ પાવર જ ટ્રિબ્યુનલમાં જવાની બાકી રહી છે.

ગુજરાતમાં પાવર પ્રોજેક્ટમાં રોકાણ કરતાં પહેલાં કંપનીઓ વિચારશે

ગુજરાત ઊર્જા નિયમન પંચ પાસેથી પણ જીયુવીએનએલે રીટ કરીને આ માટે મંજૂરી માગી છે. જીયુવીએનએલની આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ સોલર વીજ કંપનીઓએ કર્યો છે. જેમાં જણાવ્યું છેકે, આવા ર્નિણયોના પગલે ભવિષ્યમાં ગુજરાતમાં વીજ પ્રોજેક્ટમાં વિદેશી તથા દેશની કંપનીઓ રોકાણ કરવા માટે આવતા પહેલાં વિચારશે.

જીયુવીએનએલએ ત્રીજી વખત ટેન્ડર રદ કર્યા

જીયુવીએનએલએ ત્રીજી વખત ટેન્ડર રદ કર્યા હોવાનું બહાર આવ્યું છે. અગાઉ ૨૦૧૮ અને ૨૦૧૯ માં અનુક્રમે ૫૦૦ મેગાવોટ અને ૭૦૦ મેગાવોટ પ્રોજેક્ટ માટે પણ રદ કર્યા હતા. આંધ્ર પ્રદેશમાં પણ સરકાર બદલાતા અગાઉના પ્રોજેક્ટની નવેસરથી વાટાઘાટો થઇ હતી.