દિલ્હી-

કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે માસ્ક પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારે સામાન્ય લોકો દ્વારા પહેરાતા વાલ્વવાળા એન-95 માસ્કના ઉપયોગ સામે ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે તમામ રાજયો તથા કેન્દ્ર શાસીત પ્રદેશો તે પત્ર પાઠવ્યો છે અને એન-95 માસ્કથી વાઈરસને ફેલાતો અટકાવી શકાતો ન હોવાનું સ્પષ્ટ કર્યુ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળના ડાયરેકટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ દ્વારા તમામ રાજયોના આરોગ્ય સચિવો તથા હોસ્પીટલ વડાઓને પત્ર પાઠવવામાં આવ્યો છે અને એન-95 માસ્કના આડેધડ ઉપયોગ સાથે ચેતવણી આપી છે. આરોગ્ય કર્મચારીઓ સિવાયના સામાન્ય લોકો દ્વારા વાલ્વ ધરાવતા એન-95 માસ્કનો બેફામ ઉપયોગ થતો હોવાનું સામે આવ્યુ છે. વાસ્તવમાં ઘર બનાવટના ચહેરાને ઢાંકતા માસ્ક વધુ સુરક્ષિત અને અસરકારક છે. 

પત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, એન-95 માસ્ક વાઈરસને બહાર નીકળવા દેતા નથી એટલે તેનો ઉપયોગ કોરોના સંક્રમણને રોકવામાં સફળ થતો નથી. વાલ્વ ધરાવતા એન-95 માસ્ક હાનિકારક પણ નિવડી શકે છે. કારણ કે આ માસ્ક વાયરસને બહાર નીકળવા દેતા નથી. ચહેરો ઢાંકવા માટે સાદા માસ્ક પહેરવાનો આગ્રહ કરીને એન-95 માસ્કનો આડેધડ ઉપયોગ રોકવામાં આવે. સરકારની માર્ગદર્શિકા અનુસાર ત્રિપલ લેયર માસ્ક વધુ અસરકારક અને સુરક્ષિત છે. સાદા માસ્કનો જ ઉપયોગ કરવા તથા દરરોજ ધોઈને ઉપયોગ કરવા સલાહભર્યુ છે. કેન્દ્ર સરકારે ઘરની બહાર નીકળતા લોકોને માસ્ક પહેરવાની માર્ગદર્શિકા જાહેર કરી હતી અને તબકકાવાર ફરજીયાત કર્યુ છે. સાદા માસ્કનો જ ઉપયેગ કરવાની સલાહ આપી હતી. એમ કહેવાયું છે કે રોજ ગરમ પાણીમાં ધોઈને યોગ્ય રીતે સુકવ્યા બાદ તેનો ઉપયોગ કરવામાં આવે.