વડોદરા : વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા દીક્ષાંત સમારોહને પગલે શહેર પોલીસમાં ૧૦૯ યુવતીઓ અને ૧૩૦ જવાનો મળીને ૨૩૯નો વધારો થતાં કોન્સ્ટેબ્યુલરી માનવ સંપદામાં અભિવૃદ્ધિ થઈ છે. શહેર પોલીસ કમિશનર ડો.સમશેરસિંઘે તાલીમ પૂરી કરીને પોલીસદળમાં નવી કારકિર્દી શરૂ કરવા ઉત્સુક આ લોકોને પોલીસ પરિવારમાં આવકાર્યા હતા. ૧૦૯ પોલીસ યુવતીઓને યોગ્ય તાલીમ આપીને ‘શી’ ટીમ સાથે જાેડવામાં આવશે તેવી જાણકારી આપતાં પોલીસ કમિશનર ડો.સમશેરસિંઘે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલાઓ, બાળકો અને વડીલો માટે પોલીસ તંત્રની નીતિ નક્કી કરી છે. આટલી મોટી સંખ્યામાં યુવતીઓના પ્રવેશથી દળની સંવેદનશીલતા વધશે અને ઉપરોક્ત વર્ગ માટેની પોલિસી અને પોલિસીંગ મજબૂત બનશે. આ પોલીસ ખાતા માટે આ ખૂબ સારી બાબત છે. રાજ્ય સરકારની ૩૩ ટકા મહિલા અનામતની નીતિ અનુસરવાની યોગ્ય કાળજી ભરતીમાં લેવામાં આવે છે. જેના પગલે પોલીસદળમાં મહિલાઓની ઉપસ્થિતિ વધી રહી છે. તેઓએ રાષ્ટ્ર તથા બંધારણને વફાદાર રહેવાના શપથ લેવડાવ્યા હતા અને લોકોને શી ટીમની વિભાવના, ભૂમિકા અને કામગીરીની સમજ આપવામાં આવી હતી.