મહેસાણા : બહુચરાજી એપીએમસીની પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીમાં કુલ ૧૫ બેઠકોમાંથી વેપારી વર્ગની પાંચ બેઠકમાં જાહેર થયેલા પરિણામમાં વિઠ્ઠલ પટેલ પેનલ વિજયી બની હતી. આમ વિઠ્ઠલ પટેલે ભૂતપૂર્વ ગૃહમંત્રી રજની પટેલને હરાવીને ચેરમેન તરીકેનો તેમનો હોદ્દો અને દબદબો જાળવી રાખ્યો હોવાનું લાગે છે.એપીએમસીમાં વેપારી વિભાગની ચાર બેઠકો અને સહકારી ખરીદી-વેચાણ સંઘની એક બેઠકના જાહેર થયેલા પરિણામમાં વેપારી વિભાગની ચાર બેઠકમાં વિઠ્ઠલ પટેલ જૂથના ત્રણ ઉમેદવારોને ૧૮ અને એકને ૧૮ મત મળ્યા છે.તેની સામે રજની પટેલ જૂથના ત્રણ ઉમેદવારમાં એકને નવ અને એકને દસ મત મળ્યા છે. આ જ રીતે સહકારી ખરીદ-વેચાણ સંઘની બેઠક માટે વિઠ્ઠલભાઈ પટેલ જૂથને ૮ અને રજનીભાઈ પટેલ જૂથને બે મત મળ્યા છે. જ્યારે ખેડૂત બેઠકોનું પરિણામ હાઇકોર્ટના ચુકાદા બાદ જાહેર થશે. આ ચૂંટણીનું પરિણામ ત્રીજી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બહુચરાજી એપીએમસીના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત યોજાયેલી ચૂંટણીની ખાસિયત તે હતી કે તેમા વર્તમાન ચેરમેન વિઠ્ઠલભાઈ પટેલની સામે ભૂતપૂર્વ ગૃહપ્રધાન રજની પટેલ ઉતર્યા હતા. બંને ભાજપના જ છે. પણ ચૂંટણી જીતવા માટે શમદામ દંડભેદ બધી નીતિ અપનાવાઈ હતી.વિઠ્ઠલ પટેલ માટે તેમનું વર્તમાન શાસન જાળવી રાખવુ મોટો પડકાર હતો, કેમકે તેમની સામે ભૂતપૂર્વ ગૃહપ્રધાન હતા.જ્યારે ભૂતપૂર્વ ગૃહપ્રધાન માટે આ પ્રતિષ્ઠાનો વિષય હતો. પણ હાલના સમયમાં વેપારી અને સહકારી પરિણામ પરથી તો લાગી જ રહ્યુ છે કે વિઠ્ઠલ પટેલ તેમનો દબદબો જાળવી રાખવામાં સફળ રહ્યા છે.આ ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં ૩૧૩ મતદાર અને વેપાર વિભાગમાં ૫૯ મતદાન મતદાન કર્યુ હતુ. સવારના નવથી સાંજે પાંચ કલાક સુધી મતદાન થયું હતું. ઊંઝા માર્કેટિંગ યાર્ડના વિવાદ પછી બહુચરાજી માર્કેટ યાર્ડ પણ આ ચૂંટણીને લઇને વિવાદમાં સપડાયું હતું.