વડોદરા : રાત્રિના ૯.૩૦ વાગ્યાના સુમારે પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કર્મચારીઓના પરિવારજનો મોટી સંખ્યામાં ગ્રેડ-પે ની માગને લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ પરિવારજનો ભેગા થતાં હેડ ક્વાર્ટરની બહાર આવેલા જાહેર માર્ગ ઉપર પરિવારજનોએ ભેગા થઈ સૂત્રોચ્ચાર કરતાં ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ પરિવારજનોની ગ્રેડ-પે ની માગણીને લઈને જાહેર માર્ગ ઉપર ઉતર્યા હોવાની જાણકારી મળતાં એસીપી અને ડીસીપી ખુદ સ્થળ ઉપર પહોંચી પરિવારજનોને શિસ્તમાં રહી આંદોલન ચલાવવાની સૂચના આપી હતી. જેનો પરિવારજનોએ સાંભળવાનો ઈનકાર કરી ખુદ શહેર પોલીસ કમિશનરને સ્થળ ઉપર બોલાવવાની માગ કરી હતી. આ લખાય છે ત્યાં સુધી પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટરની બહાર ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ જાેવા મળી રહી હતી.

પોલીસના સર્મથનમાં જુદી જુદી સંસ્થાઓ મેદાનમાં ઉતરી

ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર આપી રાજ્યના એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ ગ્રેડ-પે ખૂબ જ ઓછો છે જેના બદલે ૪૨૦૦, ૩૬૦૦, ૨૮૦૦ કરવામાં આવે અને પોલીસના તમામ કર્મચારીઓને મળતા વરસો જૂના ભથ્થામાં તાત્કાલિક વધારો કરવાની માગ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓના ફરજની સમયમર્યાદા પણ નક્કી કરવાની માગ ઉપરાંત અધિકાર મુજબની યોગ્ય વળતર આપવાની માગ કરવામાં આવી હતી.

 બે પોલીસ કર્મચારીઓને શોકોઝ નોટિસ

સરકાર દ્વારા અનુશાસનનો ભંગ કરનાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. એ અંતર્ગત શહેર પોલીસમાં ફરજ બજાવતા અર્નામ લોકરક્ષક ઈલેશકુમાર રામાભાઈ રાઠવા બ.નં. ૩૩૪૧ નોકરી ટ્રાફિક શાખા અને પોલીસ મુખ્ય મથકમાં ફરજ બજાવતા જિતેન્દ્રકુમાર અમૃતલાલ લોઢા બ.નં.૩૪૦૦એ સોશિયલ મીડિયા ઉપરથી હેશટેગ કરી પોલીસની આચારસંહિતાના હુકમનો ઉલ્લંઘન બદલ ખાતાકીય રાહે સીધા કારણદર્શક નોટિસ શહેર પોલીસ વિભાગ તરફથી પાઠવવામાં આવી છે.