અરવલ્લી : રાજસ્થાનમાં છેલ્લા ૨૦ દિવસોથી શિક્ષક ભરતીના મામલે આંદોલન ચાલી રહયું છે.પરંતુ આ ભરતી આંદોલનમાં ગુરુવારે રાત્રીથી ઉગ્રરૂપ ધારણ કરતા આંદોલનકારીઓએ ૧૦૦ ઘરો, દુકાનો, હોટલો અને વાહનો સળગાવી દીધા હતા.  

પેટ્રોલપંપ ઉપર હુમલાથી માંડી ફરજ પરના સરકારી કર્મીઓ ઉપર ભારે પથ્થરમારાના વધતા બનાવો બાદ હિંસક બની રહેલા આંદોલનમાં શનિવારે બે લોકોના મોત નિપજ્યા હતા. આ આંદોલન વધુ વિસ્તારોમાં વકર્યું છે. આંદોલનને પગલે ઉદેપુર - અમદાવાદ નેશનલ હાઈવે  ૮ બંધ કરાતાં પ્રશાસન દ્વારા વાહનો અન્ય માર્ગો ઉપર ડાયવર્ટ કરાયા હતા.જોકે આ આંદોલનની કોઈ અસર જિલ્લાના સરહદી વિસ્તારમાં નહી હોવાનું અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું અરવલ્લી જિલ્લા પોલીસવડાએ જણાવતાં રાહત પ્રસરી હતી.

  જિલ્લા પોલીસવડા સંજય ખરાતે સરહદી વિસ્તારમાં આદિવાસી સમાજના અગ્રણીઓ સાથે મીટિંગ યોજી અરવલ્લી જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચર્ચા કરી તમામ લોકોને સંયમ જાળવવા જણાવ્યું હતું. આંદોલનને પગલે નેશનલ હાઈવે બંધ કરાતાં પ્રશાસન દ્વારા વાહનો અન્ય માર્ગો ઉપર ડાયવર્ટ કરાયા હતા.મોડાસા ટોલપ્લાઝાથી શામળાજી સુધી ટ્રક પાર્ક કરેલા અને રોડ સાઈડ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.નેશનલ હાઈવે.નં-૮ શામળાજીથી રાજસ્થાનમાં પ્રવેશ બંધ કરવામાં આવતા ટ્રક તથા અન્ય વાહનોને અંબાજી-છીપરી ચેકપોસ્ટ તરફ ડાઈવર્ટ કરી દેવામાં આવ્યા છે. હજારો ટ્રક હાઈવે પર આવેલી હોટેલો પર થંભી ગયા છે. અમદાવાદ-ઉદયપુર હાઈવે છેલ્લા ૩૬થી પણ વધારે કલાકથી બ્લોક કરી દેવામાં આવ્યો છે. ડુંગરપુર અને બાંસવાડામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ આંદોલનને વેગ આપવા માટે ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ તરફથી શામળાજી આંતર રાજ્ય બોર્ડર નજીક આશ્રમ ચાર રસ્તા પાસે ચક્કાજામ કરી દેવામાં આવ્યું છે.અરવલ્લી જિલ્લાના પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે.