વડોદરા,તા.૫, 

ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે બનેલી બળાત્કાર અને હત્યાની ઘટનાના સંદર્ભમાં વિરોધ દર્શાવવાને માટે વડોદરા શહેર યુવક કોંગ્રેસ દ્વારા કોઠી કલેક્ટર કચેરી પાસે ચક્કાજામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ટ્રાફિકને અવરોધ કરાતા પોલીસ દ્વારા યુવા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. દેશભરમાં સમયાંતરે બળાત્કારના કિસ્સાઓ બનતા જ રહે છે.

હજી ઉન્નાવ રેપ કેસની ઘટના દેશ ભૂલ્યો નથી ત્યારે ફરી એકવાર ઉત્તરપ્રદેશના હાથરસમાં એક બાળકીની દર્દનાક યાતના બહાર આવી છે. જેના પગલે ફરી દેશની ગરિમા લજવાઈ છે અને આખો દેશ શોક અને ગુસ્સામાં છે. યુપીના હાથરસમાં કેટલાક હેવાનોએ એક ૧૯ વર્ષની યુવતી પર બળાત્કાર આચરી દર્દનાક ઘટનાને અંજામ આપ્યો છે. ૧૪ સપ્ટેમ્બરે થયેલ આ સામુહિક બળાત્કાર બાદ ૧૫ દિવસ સુધી એ યુવતી જીવન અને મૃત્યુ વચ્ચેનો જંગ આખરે હારી ગઈ અને ૨૯ સપ્ટેમ્બરના રોજ આ દુનિયા છોડી ગઈ, ગુંડા રાજ અને અંધેર નગરી યુપીની સરકારના પેટ નું પાણી હાલ્યું નહીં અને શરમજનક રીતે પોલીસે પણ મધ્યરાત્રીએ વાલીઓની રાહ જોયા વગર જ યુવતીના દેહના અંતિમ સંસ્કાર કરી દીધા. આજે આખો દેશ આ યુવતી માટે ન્યાયની માંગણી ઉઠાવી રહ્યો છે ત્યારે સમાજ દ્વારા યુવતીને ન્યાય મળે તે માટે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં યુથ કોંગ્રેસના પ્રમુખ અસફાક મલિક, અમિત ગોટીકર, ઉમંગ સોલંકી, જાવેદ ધુપેલવાળા, પવન ગુપ્તા, વિજય ભોંસલે, તૃશેન દેશમુખ, પાર્થ પટેલ, સહિતના યુવક કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી હતી.