અમદાવાદ-

કૃષિ કાયદાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવ્યાં છે કેમકે, ભાજપે રાજ્યભરમાં ખેડૂત સંમેલન ઉપરાંત ખાટલા બેઠકો યોજી ખેડૂતોને સમજાવવા પ્રયાસો કર્યા છે જયારે કોંગ્રેસે રાજ્યમાં જિલ્લા મથકોએ આંદોલન સ્થળે મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રધૃધાજંલિ અર્પી હતી.આ ઉપરાંત કોંગ્રેસે ૨૬મીએ ચલો ખેતરે - ચલો ગામડે કાર્યક્રમ યોજવા એલાન કર્યુ છે. આ દિવસે કૃષિ બિલની જાહેરમાં હોળી કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવશે. ગુજરાતમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સમર્થન આપી રહ્યાં છે. અત્યાર સુધી ૫૦૦થી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પહોંચ્યા છે અને આંદોલનમાં ભાગ લઇ રહ્યાં છે તે જાેતાં ભાજપ સરકારની ચિંતા વધી છે.

આ તરફ, જિલ્લા મથકોએ કોંગ્રેસના કાર્યકરોએ શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને કૃષિ કાયદાનો જાેરદાર વિરોધ કરી ખેડૂત આંદોલનને સમર્થન આપ્યુ હતુ. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યો તેમના મત વિસ્તારોમાં યોજાયેલાં કાર્યક્મમાં જાેડાયા હતાં. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે,કોંગ્રેસ પહેલાં જ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યુ છે. સંસદથી માંડીને રસ્તા પર કોંગ્રેસે વિરોધ કર્યો છે. ભાજપ અત્યારે ખેડૂત સંમેલન અને ખાટલા પરિષદ કરીને ખેડૂતોને ભ્રમિત કરી રહ્યુ છે ત્યારે કોંગ્રેસ ૨૬મીએ ચલો ખેતરે- ચલો ગામડે કાર્યક્રમ યોજીને ખેડૂતોને કૃષિ કાયદાથી થનારાં નુકશાનથી વાકેફ કરશે.