સ્પેનિશ ટેનિસ સ્ટાર અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રફેલ નડાલે કોરોના મહામારી તેમજ ટેનિસના અણઘડ કાર્યક્રમને કારણે યુએસ ઓપન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપમાંથી ખસી જવાની જાહેરાત કરી દીધી છે. નડાલે ટ્વિટર પર જાહેરાત કરી કે, ઘણા બધાની સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ મેં યુએસ ઓપનમાં ન રમવાનો નિર્ણય લીધો છે.

નોંધપાત્ર છે કે, અગાઉ ઓસ્ટ્રેલિયન પુરુષ ટેનિસ ખેલાડી નિક કિર્ગિઓસ અને ઓસ્ટ્રેલિયાની ટોચની મહિલા ટેનિસ ખેલાડી એશ્લી બાર્ટી પણ કોરોના મહામારીને કારણે યુએસ ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચી ચૂક્યા છે. ફેડરર ઘુંટણની સર્જરી કરાવી ચૂક્યો હોવાથી ચાલુ વર્ષે કોઈ ટુર્નામેન્ટ રમવાનો નથી. 

જોકે, નડાલે આશા વ્યક્ત કરી છે કે, યુએસ ઓપન બાદ રમાનારી ક્લે કોર્ટ પર રમાતી ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપ રમાશે. નડાલ ફ્રેન્ચ ઓપનમાં પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને આ વર્ષે તે રેકોર્ડ ૧૩મી વખત ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. યુએસ ઓપનમાંથી ખસી જવાના નિર્ણય અંગે નડાલે કહ્યું કે, હાલની પરિસ્થિતિ અત્યંત પડકારરૃપ છે અને કોરોનાના કેસો વધી રહ્યા છે. હજુ તેના પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હોય તેવું લાગતું નથી.