નવી દિલ્હી 

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં મંગળવારે રાત્રે વિવાદના કારણે ઈસ્તંબુલ બાસેકશિર અને પેરિસ સેન્ટ જર્મેન (પીએસજી)ની મેચ સ્થગિત કરવી પડી. મેચની 14મી મિનિટમાં ચોથા ઓફિશિયલ સબેસ્ટિયન કોલટેસ્ક્યુએ ઈસ્તંબુલના આસિસ્ટન્ટ કોચ પિયરે વેબો પર જાતિગત ટિપ્પણી કરીને રેડ કાર્ડ બતાવ્યું હતું. ઈસ્તંબુલના ખેલાડી ટિપ્પણીનો વિરોધ કરતા મેદાનમાંથી બહાર નીકળી ગયા. પીએસજીની ટીમ પણ ઈસ્તંબુલની સાથે જ બહાર નીકળી ગઈ. જેના લીધે મેચ સ્થગિત કરવી પડી. ત્યાર પછી યુએફાએ નિવેદનમાં કહ્યું કે, આ ઘટનાની તપાસ શરૂ કરાઈ છે. બંને ટીમ બુધવારે બાકીની મેચ પૂરી કરશે.


પીએસજી તરફથી રમતા કેલિયમ એમબાપેએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘જાતિવાદને ના કહો. વેબો અમે તારી સાથે છીએ.’ પ્રસારણ દરમિયાન ટીવી ફૂટેજ પર પણ આ વિવાદ રેકોર્ડ થયો હતો. ટીવી ફૂટેજમાં સેબેસ્ટિયન મુખ્ય રેફરી હેટગનને આસિસ્ટન્ટ કોચ પિયરેને રેડ કાર્ડ બતાવવા માટે કહેતા સંભળાયા હતા.

જર્મન ક્લબ આરપી લિપજિગે ઉલટફેર કરીને રાઉન્ડ-16માં પ્રવેશ કરી લીધો છે. ટીમે ઈંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડને 3-2થીહ રાવી. યુનાઈટેડની ટીમ 5 વર્ષ પછી ગ્રૂપ સ્ટેજમાં બહાર ફેંકાઈ ગઈ છે. લિપજિગ લીગની છેલ્લી 6 મેચથી અપરાજેય છે. ટીમે 5 મેચ જીતી છે, એક ડ્રો રહી છે.