ગાંધીનગર, રાજ્યમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીની જીપીએસસીની પરીક્ષાઓ ઉપર અસર પડી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની જાહેરાત થતાં જીપીએસસીની પરીક્ષાઓને પાછળ ઠેલવવામાં આવી છે.ગુજરાતની ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી મહીને એટલે કે, ડિસેમ્બર મહિનાના બીજા પખવાડિયામાં યોજવાની રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આયોજિત વર્ગ-૧ અને ૨ ની ૧૮૩ જેટલી જગ્યાઓ માટે આગામી તા. ૧૯ થી ૨૬ ડિસેમ્બર દરમિયાન પરીક્ષાઓ યોજવામાં આવનાર હતી. પરંતુ રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત આગામી તા. ૧૯ ડિસેમ્બરના રોજ મતદાન અને તા. ૨૧મી ડિસેમ્બરના રોજ મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ત્યારે જીપીએસસી દ્વારા લેવાનારી આ પરીક્ષાઓની તારીખને પાછળ ઠેલવવામાં આવી છે.જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાએ સોશિયલ મીડિયા ટ્‌વીટર ઉપર ટ્‌વીટ કરીને જાણકારી જીપીએસસીની પરીક્ષાઓ પાછી ઠેલવવામાં આવી હોવાની જાણકારી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી તા. ૧૯ ડિસેમ્બર અને ૨૬મી ડિસેમ્બરના યોજાનારી જીપીએસસીની પરીક્ષાઓને ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને થોડા સમય માટે સ્થગિત રાખવામાં આવી છે. જેથી હવે ૧૯ ડિસેમ્બરના રોજ યોજાનારી પરીક્ષા તા. ૨૬મી ડિસે.ના રોજ લેવામાં આવશે, ૨૬મી ડિસેમ્બરે યોજવામાં આવનારી પરીક્ષા હવે બીજી જાન્યુઆરી ૨૦૨૨ના રોજ યોજવામાં આવશે તેમ જણાવાયું છે.જીપીએસસી દ્વારા હાલમાં નાયબ કલેકટર-નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની કુલ ૮, જિલ્લા-નાયબ રજિસ્ટ્રારની એક, સહાયક રાજ્ય વેરા કમિશનરની કુલ ૪૮, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની એક જગ્યા મળીને વર્ગ-૧ ની કુલ ૭૩ જગ્યાની પરીક્ષાઓ લેવાનાર હતી. મામલતદારની ૧૨,ટીડીઓની ૧૦, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારની ૧૦, સમાજ કલ્યાણ અધિકારી (અનુ.જાતિ કલ્યાણ)ની એક, સરકારી શ્રમ અધિકારીની બે, રાજ્ય વેરા અધિકારીની ૭૫ જગ્યા મળીને સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૧૧૦ જગ્યાઓ મળીને વર્ગ-૧ અને ૨ ની કુલ ૧૮૩ જગ્યામાટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.