અમદાવાદ, આરટીઓમાં ફોર વ્હિલર લાઇસન્સ મેળવવા લેવામાં આવતા ડ્રાઇવિંગ ટેસ્ટમાં હવેથી ઓટોમેટિક મોટરકાર માન્ય રહેશે. કોઈ પણ અધિકારી કે ટેસ્ટ સાથે સંકળાયેલા પ્રાઇવેટ એજન્સીના માણસો રિવર્સ કેમેરા, સેન્સર્સ ટેક્નોલોજીથી સજ્જ મોટરકારથી ટેસ્ટ ડ્રાઇવ માટે ઇનકાર કરી શકશે નહીં. તેમ વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવે જણાવ્યું હતું. અત્યાર સુધી આરટીઓ રૂલ્સનું મનસ્વી અર્થઘટન કરીને ડ્રાઇવિંગ ટેસ્ટમાં ઓટોમેટિક ને બદલે મેન્યુઅલ અર્થાત ગિયરવાળી કારને જ એન્ટ્રી આપવામાં આવતી હતી. સુરત- અમદાવાદ જેવા મોટા શહેરોમાં તો આવી કારથી અપાયેલા ટેસ્ટને રિજેક્ટ કરવામાં આવતા હતા. 

નાગરિકોને પડતી આ મુશ્કેલી સંદર્ભે અગ્રસચિવ સુનયના તોમરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આરટીઓમાં સેન્સર આધારિત ટ્રેકિંગ સિસ્ટમમાં આટોમેટિક કારથી ડ્રાઇવિંગ ટેસ્ટ માન્ય હોવાનું સ્વીકાર્યું હતું. પરંતુ ત્યારબાદ અગ્રસચિવે આરટીઓમાં ઓટોમેટિક કારને પણ માન્ય રાખવા આદેશો કર્યા હતા. ટ્રાફિક રૂલ્સ સંદર્ભે સર્જાયેલી અરાજકતા વચ્ચે વાહન વ્યવહાર વિભાગની અગાઉ હાઇલેવલ બેઠક મળી હતી.