વલસાડ-

પારડી નેશનલ હાઇવે નંબર 48 ઉપર મોડી સાંજે પસાર થતાં વાહન પૈકી એક પાછળ એક 6 કાર અને એક મોટર સાઇકલ અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેને પગલે ટ્રાફિક સમસ્યા વકરી હતી. બાઈક અને કાર સહિત 6 વાહનો એકની પાછળ એક ભટકાયાં હતાં જેને લઇને થોડીવાર અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ અકસ્માતમાં કોઈને મોટી જાનહાનિ થઈ ન હતી. વાહનોમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ થતાં 108ની મદદથી તમામ ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ અકસ્માત સર્જાતાં વલસાડથી અતુલ હાઇવે સુધી વાહનોની લાંબી લાઇન લાગી ગઇ હતી. અચાનક 6 વાહનો અથડાવાની ઘટનાને પગલે વલસાડથી અતુલ હાઇવે સુધી લાંબી વાહનોની કતાર લાગી હતી. આ ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસનો કાફલો અકસ્માત સ્થળ પર પહોંચી ટ્રાફિક જામ દૂર કરવામાં જોતરાયો હતો. ગણતરીના સમયમાં વાહનો દૂર કરતાં ટ્રાફિક રાબેતા મુજબ શરૂ થયો હતો. દિવાળીના સમય દરમિયાન હાઇવે ઉપર આવા નાના-નાના અકસ્માતોની ઘટના બની રહી છે, ત્યારે તંત્રએ વધુ સજાગતાથી ટ્રાફિક સરળતાથી ચાલે તેવી વ્યવસ્થા પર ધ્યાન અપાય તેવી લોકોની લાગણી જોવા મળી હતી.