સુરત-

આરોગ્યમંત્રી કુમાર કાનાણી દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યની બહાર જવા માટે અને વિદેશ જવા માટેના કોરોના ટેસ્ટિંગમાં ચાર્જ લાગશે. સરકારી ટેસ્ટિંગ માટે હવે અંદાજિત એક હજાર રૂપિયાથી વધુ રકમનો ચાર્જ લેવાશે.

આમ રાજ્ય સરકારને હવે જ્ઞાત થયું છે કે આટલા લોકો ફરવા જાય અને વિદેશ જાય તો પછી તેઓ કોરોના ટેસ્ટિંગનો ચાર્જ કેમ ન ચૂકવી શકે. સરકાર તેમનો બોજાે શું કામ ઉઠાવે જે જાતે આ ખર્ચ કરી શકે છે. વિનામૂલ્યે સેવા તો ફક્ત ગરીબો માટે છે. આ ચાર્જમાંથી આવેલા રૂપિયા રોગ કલ્યાણ સમિતિમાં જમા થશે.

ગુજરાતમાં કોરોના વાઇરસનો બીજાે તબક્કો ચાલી રહ્યો છે તેના પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કેસો વધ્યા છે. સૌથી વધુ કેસો અમદાવાદમાં વધ્યા છે. આના પગલે આરોગ્ય મંત્રી દ્વારા સુરતની પરિસ્થિતિ પર નજર રાખવા બેઠક યોજાઈ હતી.આ બેઠક સુરતની સિવિલ હોસ્પિટલમાં યોજાઈ હતી. સુરતના નોડલ ઓફિસર મહેન્દ્ર પટેલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.