નડિયાદ : સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે સરકારે મોટા ઉપાડે અમદાવાદ - કેવડિયા વચ્ચે રેલસેવાનો પ્રારંભ કર્યો હતો. ભાજપના નેતાઓએ રવિવારે મોટાં પાયે વાજતે-ગાજતે જનશતાબ્દિ એક્સપ્રેસનું વિવિધ સ્ટેશનો પર સ્વાગત કર્યું હતું. એમાં સરદાર પટેલની જન્મભૂમિ અને કર્મભૂમિ એવાં આણંદ-નડિયાદ પણ સામેલ હતાં. જાેકે, મજાની વાત તો એ બની છે કે, આ બંને સ્ટેશન પર જનશતાબ્દિ એક્સપ્રેસને સ્ટોપેજ આપવામાં જ આવ્યું નથી. તંત્રએ તાયફો કરીને સરદાર પટેલની જન્મભૂમિ અને કર્મભૂમિના નાગરિકોને બાબાજી કા ઠુલ્લું જ દેખાડ્યો છે! તંત્રની આવી હરકતથી ચરોતરના નાગરિકોની લાગણીને ઠેંસ પહોંચી છે! 

ચરોતરમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, ભારત સરકાર દ્વારા કેવડિયા માટે શરૂ કરવામાં આવેલાં રેલમાર્ગને લઈને દેશમાંથી મોટીસંખ્યામાં નાગરિકોને સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સ્થળ સુધી સાંકળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની સૂચનાથી રાજ્ય સરકારે પણ મોટાં પ્રમાણમાં પ્રચાર અને પ્રસારની જવાબદારી ઉપાડી લીધી હતી. સરદાર પટેલના સ્વજનોને પણ આ કાર્યક્રમનો ભાગ બનાવવામાં આવ્યાં હતાં. અમદાવાદથી કેવડિયા વચ્ચે જનશતાબ્દિ એક્સપ્રેસ (૦૯૨૪૭) શરૂ કરવામાં આવી હતી. રવિવારે મોટા ઉપાડે જનશતાબ્દિના લોકાર્પણમાં ભાજપના નેતાઓએ નડિયાદ અને આણંદ એમ સરદાર પટેલની જન્મભૂમિ તેમજ કર્મભૂમિ ખાતે મોટાં કાર્યક્રમ યોજ્યાં હતાં. જનશતાબ્દિ એક્સપ્રેસનું વાજતે-ગાજતે સ્વાગત પણ કરાયું હતું. આ સ્વાગતમાં પણ ભાજપના વરિષ્ઠ નેતાઓ, સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરો જાેડાયાં હતાં. હસી-ખુશીથી લોકો અમદાવાદથી આવેલી જનશતાબ્દિમાં બેસીને કેવડિયા પણ ગયાં હતાં. મજાની વાત તો એ છે કે, અમદાવાદથી પહેલાં જનશતાબ્દિ એક્સપ્રેસ નડિયાદ આવી હતી. વાજતે-ગાજતે સ્વાગત પછી ખુદ રાજ્ય સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ટ્રેનને લીલીઝંડી દેખાડી હતી. નડિયાદના ભાજપના વરિષ્ઠ નેતાઓ, કાર્યકરો અને નગરની જાણીતી હસ્તીઓ ટ્રેનમાં બેસીને કેવડિયા ગયાં હતાં. આવો જ માહોલ આણંદ ખાતે જાેવાં મળ્યો હતો. આણંદમાં પણ ભાજપના સાંસદથી લઈને ધારાસભ્યો અને કાર્યકરો આ કાર્યક્રમમાં જાેડાયાં હતાં. આણંદથી સરદાર પટેલના પરિવારજનો પણ હસી-ખુશીથી જનશતાબ્દિમાં બેસીને કેવડિયા પહોંચ્યાં હતાં. આ માટે તેઓએ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારનો આભાર પણ માન્યો હતો.હવે જ્યારે જનશતાબ્દિને નડિયાદ - આણંદ સ્ટોપેજ આપવાનું જ ન હતું તો આવું નાટક તંત્રએ કરવાની ક્યાં જરૂર હતી? તેવો સવાલ ઊઠી રહ્યો છે! મજાની વાત તો એ છે કે, જનશતાબ્દિ એક્સપ્રેસ (૦૯૨૪૭-૪૮) અમદાવાદથી સવારે ૭ઃ૫૫ ઉપડીને ગેરતપુર, વડોદરા, ડભોઈ થઈને કેવડિયા પહોંચશે. ૧૮૨.૯૫ કિમીનું અંતર બે કલાક ૪૫ મિનિટમાં કપાશે. આવી જ રીતે વળતાં આ ટ્રેન આ જ રૂટ પર ચાલશે.

તંત્રની આવી હરકતથી સરદાર પટેલના સમર્થકો અને ચરોતરના સરદાર પ્રેમી પાટીદારો સહિત નાગરિકોની લાગણી દુભાઈ છે. આ લોકોનું સન્માન જાળવવામાં રાજ્ય સરકાર અને રેલવે વિભાગ ઉણો ઊતર્યો છે. ખેડા-આંણદ સરદાર પટેલની જન્મ અને કર્મભૂમિ હોવા છતાં અહીંના નાગરિકોને સરદાર પટેલના કેવડિયામાં બનેલાં આટલાં મોટાં પર્યટનધામથી અળગા રાખવાની કોશિશ કરવામાં આવી હોવાનો આક્ષેપ ફણ લોકોએ કર્યો હતો.