આણંદ : એશિયામાં સૌથી વધુ દિવસ હોસ્પિટલમાં દાખલ રહીને કોરોનાને મ્હાત આપનારાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીએ આજે ડિસ્ચાર્જ લેતી વખતે જણાવ્યું હતું કે, હું ઓવર કોન્ફિડન્સમાં રહ્યો હતો. હું લોકોને મળતો હતો અને મારી ઇમ્યુનિટી સારી છે, જેથી મને કંઈ નહીં થાય એમ માની હું ફરતો હતો. મારાં શરીરનું ટેમ્પરેચર વધ્યું હતું અને અન્ય ટેસ્ટ કરાવ્યાં હતાં, પરંતુ એમાં કોઈ જ બીમારી ન હતી. જ્યારે કોરોના ટેસ્ટ કરાવ્યો અને પોઝિટિવ આવ્યો ત્યારે ડોક્ટરોએ કહ્યું હતું કે કોરોના વધુ પડતાં સ્ટેજ પર પહોંચી ગયો છે. કોરોનાને હળવાશથી ન લો. માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, ભરતસિંહ સોલંકી કોરોનાને માત આપી ૧૦૧ દિવસ બાદ આજે હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે પરત ફર્યા હતાં. ગત જૂન માસમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં પહેલાં વડોદરાની હોસ્પિટલ અને ત્યાર બાદ અમદાવાદના સોલાની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયાં બાદ તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને ૫૧ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવા પડ્યાં હતાં.

ગત જૂન માસમાં ભરતસિંહને કોરોનાનાં લક્ષણો જણાતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ વધુ તકલીફ પડતાં સારવાર માટે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમને અસ્થમાની પણ તકલીફ હોવાથી અને ફેફસાંમાં સંક્રમણને પગલે ઓક્સિજન લેવલ પણ વારંવાર ઘટી જતું હતું, જેથી તેમને ઓક્સિજન આપવામાં આવ્યું હતું. તેમની તબિયત બહુ નાજુક હતી, જેથી તેમને ૯૦ ટકા ઓક્સિજન વેન્ટિલેટર થકી અપાઈ રહ્યો હતો. ભરતસિંહના હાર્ટ, કિડની સહિતનાં અન્ય અંગો સામાન્ય રીતે કાર્ય કરી રહ્યાં હતાં, પરંતુ ફેફસાં વધારે પડતાં નબળાં હોવાથી ઓક્સિજનની જરૂરિયાત વધી હતી. ભરતસિંહને એકવાર પ્લાઝમા થેરપી પણ આપવામાં આવી હતી અને રેમડિસિવિર ઈન્જેકશન પણ આપવામાં આવતાં હતાં.

હોસ્પિટલોમાં આખી રાત દીવાલો અને લાઇટો જાેતો હતો!

ભરતસિંહ સોલંકીએ ફ્રંટલાઇન વોરિયર્સ ડોક્ટરો-નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે હું ઊભો નહોતો થઈ શકતો કે ચાલી પણ શકતો ન હતો. ડોક્ટરો અને ફિઝિયોથેરપીની મદદથી આજે હું સ્વસ્થ થઈ ઘરે પરત ફરી રહ્યો છું. હું હોસ્પિટલમાં આખી રાત દીવાલો અને લાઈટો જ જોતો રહેતો હતો અને આ બધું જોઈને જ સમય પસાર થતો હતો.

૧૦૧ દિવસ હોસ્પિટલમાં રહી હસતાં હસતાં ડિસ્ચાર્જ લીધો!

ડો.કેયૂર પરીખે ભરતસિંહ વિશે જણાવ્યું હતું કે, સિમ્સ હોસ્પિટલના ઇતિહાસમાં સૌથી મુશ્કેલમાંથી આ એક ગંભીર કેસ રહ્યો છે. ૧૦૧ દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યાં બાદ તેઓ હસતાં હસતાં ઘરે જઈ રહ્યાં છે. આવો પહેલો કિસ્સો સામે આવ્યો છે.

હું સ્વસ્થ થઈ ગયો છું અને કોન્ફિડન્સ લેવલ વધ્યું છે

ભરતસિંહે કહ્યું હતું કે, હોસ્પિટલમાં મારાં દિવસો દરમિયાન ક્યારેક ડોક્ટરો અને સ્ટાફ આવે તો વાતચીત કરવા મળતી હતી. આ બીમારીથી ઘણાં પ્રશ્નો ઊભા થાય છે. વજન ઘટે છે અને બોડીની આખી સિસ્ટમ બદલાઈ જાય છે. હવે હું સ્વસ્થ થઈ ગયો છું અને કોન્ફિડન્સ લેવલ વધ્યું છે. આગામી દિવસોમાં વધુ તાકાતથી લડીશ.

ભરતસિંહનો કિસ્સો અન્ય દર્દીઓ માટે પ્રેરણાંદાયી

ભરતસિંહની સારવાર કરનારા તબીબોનું કહેવું છે કે, ભરતસિંહની ૧૦૦ દિવસની સારવારમાં ઘણાં મેડિકલ ચેલેન્જીસ સામે આવ્યાં, પણ તેમનું મનોબળ ખુબ જ મજબૂત હતું. તેમની સારવાર સમયે ઘણી મેડિકલ સમસ્યાઓ સામે આવી હતી. જે સમસ્યાઓ સામે આવી એનાં પરથી કોરોનાની સારવાર કરવા માટે ઘણું અમને પણ શીખવા મળ્યું છે અને જેથી હવે અન્ય કોરોના દર્દીઓને અમે હવે સારી રીતે ટ્રીટ કરી શકીશું.