ભૂજ, વડોદરા : વડોદરાના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવકે પોતાના કચ્છી મિત્રને કોવિડ હોસ્પિટલમાંથી પોતે એકદમ સ્વસ્થ હોવાનો વીડિયો બનાવી વોટ્‌સએપ કર્યો હતો. તેના ત્રણ દિવસ બાદ તે અચાનક સદાને માટે આ ફાની દુનિયા છોડીને વિદાય થઈ ગયો.

બરોડા શહેરમાં ત્રણ-ત્રણ પરિવારની જવાબદારી નિભવતા ચાર્ટર્ડ એકાઉન્ટનું કાર્ય કરતા આશાસ્પદ યુવકનું કોરોનામાં કરુણ અવસાન થયું છે. જેના કારણે તેમના પરિવાર અને મિત્ર વર્તુળમાં ભારે શોક છવાયો છે. તેમના મુત્યુથી તેમની માતા જે ખુદ હાલ કોવિડ પેસેન્ટ છે, તે અજાણ છે. બરોડાના પોશ એરિયામાં સી.એ. અને જી.એસ.ટી.કાર્યની ઓફીસ ધરાવતા ૩૮ વર્ષીય રાકેશભાઈ નાઈ અતિ મિલનસાર અને મળતાવડા સ્વભાવના હતા. તેથી જ તેમનું મિત્ર વર્તુળ પણ બહોળી સંખ્યામાં હતું. પરિવારમાં ધર્મપત્ની અને બે પુત્રીઓ છે. જ્યારે માતા પિતા તેમના મૂળ વતનમાં રહે છે. આ સાથે મોરબી ખાતે રહેતા તેમના મોટા બહેનની જવાબદારી પણ તે ખુદ સાંભળતા હતા. આમ ત્રણ પરિવારના આધારસ્તંભ યુવકનો કાતિલ કોરોનાએ ભોગ લઇ લીધો છે. કોવિડ બીમારીમાં સપડાઈ ગયાની જાણ તેમના પરિવાર અને મિત્ર વર્તુળમાં થતા, તેમના ખબર અંતર લેવા સ્નેહીજનોએ અનેક ફોન કર્યા હતા. આથી રાકેશભાઈ દ્વારા મોબાઈલ ફોન પર પોતાનો વીડિયો બનાવી પરિવાર તથા નજીકના મિત્રોને વોટ્‌સએપ મારફત શેર કર્યો હતો. તેમાં તે કહી રહ્યા છે, કે એકદમ સરસ છું, કોઈ તકલીફ નથી. હજુ ચાર દિવસ લાગશે મને, ત્યારબાદ તમારા બધાની સાથે વાત કરી શકીશ, આભાર.. તમામનો. આ વીડિયો મૂળ કચ્છના અને હાલ બરોડા રહેતાં પાડોશી મિત્ર નરેશભાઈ જાેશીને પણ મોકલ્યો હતો. જેના દુઃખમાં નરેશભાઈએ શોક સંદેશા સાથે આ વીડિયો સોશિયલ મીડિયા પર તેમના આત્માની શાંતિ સાથે પોસ્ટ કર્યો હતો. જેમાં આવેલી દુઃખભરી કૉમેન્ટ્‌સ અહીં લખવી શક્ય નથી. અલબત્ત તેમના મિત્ર નરેશભાઈ જાેશી મૂળ કચ્છના ભચાઉના છે. અને છેલ્લા ચાર વર્ષથી બરોડા સ્થાયી થયા છે. સદગત રાકેશભાઈના પાડોશી છે. આ વિશે નરેશભાઈને જ્યારે પ્રશ્ન કર્યો કે રાકેશભાઈ તમારા મિત્ર હતા. ? પ્રત્યુત્તરમાં નરેશભાઈએ દુઃખભર્યા સ્વરે કહ્યું કે ના ભાઈ હતો. ભાઈ જ નહીં પણ સગાભાઈથી પણ વિશેષ હતો.આટલો પ્રેમાળ, લાગણીશીલ અને સિદ્ધાંતવાદી ઇન્સાન ક્યાં જલ્દી મળે, સદા કામમાં વ્યસ્ત છતાં હસતો ચહેરો, સામેના વ્યક્તિને મળીને જાય એટલે આપણામાં નવી ઉમંગ જગાવતો જાય. સેવાભાવી વ્યક્તિત્વનો મલિક હતો. સ્વામી વિવેકાનંદના આદર્શોમાં માનતો. કેટલાય ગરીબ પણ સશક્ત લોકોને પોતાના પરિચિત વર્ગમાં નોકરી પણ અપાવી દેતો. પરિવારમાં એક ૧૪ વર્ષ અને ૮ વર્ષની બે નાની દીકરીઓ છે. મા-બાપ તેમના વતન ગામડે છે. જેમાં માતા ખુદ પણ કોરોના સંક્રમિત થયા હોવાથી સારવાર હેઠળ છે. તેથી રાકેશના વિદાયની વાત પણ કરી નથી. એમને એ પણ ખ્યાલ નથી કે મારો એકનો એક પુત્ર હવે આ દુનિયામાં હયાત નથી.