વડોદરા,તા.૩૧ 

આગામી રક્ષાબંધન પર્વને ધ્યાનમાં લઇ પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરોએ શોપિંગ મોલ, બેકરી, ચોકલેટના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરીને ૩૩ નમૂનાઓ મેળવી પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે ૬ને લાયસન્સ બાબતે અને ૪ને સ્વચ્છતા બાબતે નોટીસ આપવામાં આવી હતી.

કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરોએ શહેરના ગોરવા, સમા-સાવલી રોડ, વાઘોડિયા રોડ, મકરપુરા, આજવા રોડ, માંજલપુર વગેરે વિસ્તારમાં મોલ, બેકરી યુનિટોમાં ચેકિંગ હાથ ધરી રસગુલ્લા, બદામ હલવા, કાજુકતરી, સોનપાપડી, ઉપરાંત ચટપટા નમકીન, આલુ, ભુજીયા, ખટ્ટી-મીઠા નમકીન, બ્લેક ફોરેસ્ટ કેક, કમરોલ, પફ, બિસ્કીટ, નાન ખટાઇ, મેંદો, કપાસીયા તેલ વગેરેના ૩૩ નમૂના લઇને પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા.

ઉપરાંત કોવિડ-૧૯નાં સુચનોનો ચૂસ્ત પાલન કરવાની સૂચના સાથે ૪ ફૂડ બિઝનેસ ઓપરેટરોને સ્વચ્છતા બાબતે નોટીસ આપી હતી. જ્યારે ૬ બિઝનેસ ઓપરેટરોને લાયસન્સ અને રજીસ્ટ્રેશન અંગેની નોટિસ આપી હતી. ઉપરાંત ૬ કિલો અખાધ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. શ્રાવણ મહિનો અને આગામી તહેવારોને અનુલક્ષીને પાલિકાની ખોરાક શાખાના ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ચેકીંગની કામગીરી જારી રાખવામાં આવશે.