દુબઇ 

IPL 2020ની 48મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે અબુ ધાબી ખાતે 165 રનનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 19.1 ઓવરમાં 5 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો છે. આ મેચ જીતીને મુંબઈના હવે 16 પોઈન્ટ્સ થઇ ગયા છે અને તેમણે પ્લે-ઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. રનચેઝમાં મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે પોતાના IPL કરિયરની 10મી ફિફટી ફટકારતા 43 બોલમાં 10 ફોર અને 3 સિક્સની મદદથી 79* રન કર્યા છે.    

સૌરભ તિવારી મોહમ્મદ સિરાજની બોલિંગમાં મીડ-ઓફ પર પડિક્કલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 8 બોલમાં 5 રન કર્યા હતા. તે પછી કૃણાલ પંડ્યા ચહલની બોલિંગમાં લોન્ગ-ઓફ પર મોરિસના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 10 બોલમાં 10 રન કર્યા હતા.

ઈશાન કિશન યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં લોન્ગ-ઓફ પર ક્રિસ મોરિસના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 19 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 25 રન કર્યા હતા. તે પહેલા તેનો સાથી ઓપનર કવિન્ટન ડી કોક મોહમ્મદ સિરાજની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર ગુરકિરત સિંહ માનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 19 બોલમાં 18 રન કર્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઇન્ડિયન્સ સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન કર્યા છે. દેવદત્ત પડિક્કલે RCB માટે સર્વાધિક 74 રન કર્યા. તેણે લીગમાં પોતાની ચોથી ફિફટી ફટકારતા 45 બોલની ઇનિંગ્સ દરમિયાન 12 ફોર અને 1 સિક્સ મારી હતી. મુંબઈ માટે જસપ્રીત બુમરાહે બોલ સાથે તરખાટ મચાવતા 4 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ ઝડપી. તેના સિવાય ટ્રેન્ટ બોલ્ટ, રાહુલ ચહર અને કાયરન પોલાર્ડે 1-1 વિકેટ લીધી.

વિરાટ કોહલી બુમરાહની બોલિંગમાં પુલ કરવા જતા શોર્ટ મિડવિકેટ પર સૌરભ તિવારીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 14 બોલમાં 9 રન કર્યા હતા. કોહલીને આઉટ કરીને બુમરાહે લીગમાં પોતાની 100મી વિકેટ લીધી છે. તે પછી એબી ડિવિલિયર્સ પોલાર્ડની બોલિંગમાં ડીપ સ્કવેર-લેગ પર ચહરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 12 બોલમાં 15 રન કર્યા હતા. જ્યારે ઓલરાઉન્ડર શિવમ દુબે 2 રને બુમરાહની બોલિંગમાં સૂર્યકુમારના હાથે ડીપમાં કેચ આઉટ થયો હતો.

જોશ ફિલિપ અને દેવદત્ત પડિક્કલે બેંગલોરને સારી શરૂઆત અપાવતા 7.5 ઓવરમાં 71 રનની ભાગીદારી કરી હતી. ફિલિપે 24 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 33 રન કર્યા હતા. તે લેગ સ્પિનર રાહુલ ચહરની બોલિંગમાં ડી કોક દ્વારા સ્ટમ્પ થયો હતો.