બેંગલોર, તા. ૩૧

લોકડાઉન અગાઉ ભારતનો ચેસ ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદ જર્મનીમાં બુંદેસલીગા ચેસમાં રમવા માટે ગયો હતો પરંતુ અચાનક જ ભારતમાં લોકડાઉન લાદી દેવામાં આવતા તે પરત ફરી શક્યો ન હતો. ભારતમાં વિદેશથી કોઈ પણ ફ્‌લાઇટના પ્રવેશને મંજૂરી મળી ન હતી. આનંદ હવે શનિવારે સાંજે તે ભારત પરત આવી ગયો હતો. તે છેલ્લા ત્રણ મહિનાથી જર્મનીમાં જ ફસાઈ ગયો હતો. વિશ્વનાથન આનંદની પત્ની અરુણાએ આ અંગે જાણકારી આપી હતી. તેણે જણાવ્યું હતું કે આનંદ સ્વદેશ પરત આવી ગયા છે. તે શુક્રવારે રાત્રે ફ્રેન્કફર્ટથી ભારત આવતી ફ્‌લાઇટમાં બેઠો હતો. આ ફ્‌લાઇટ પહેલા દિલ્હી જઈ અને ત્યાંથી તે બેંગલોર આવી હતી. પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયન ટાઇટલ જીતનારા વિશ્વનાથન આનંદે ભારત અને કર્ણાટક સરકારે જારી કરેલા આદેશ મુજભ ભારત આવ્યા બાદ ૧૪ દિવસ સુધી કોરોન્ટાઈનમાં રહેવું પડશે. ત્યાર બાદ તે તેના ચેન્નાઈ ખાતેના તેના નિવાસે પહોંચશે. તે જર્મની પહોંચ્યો તે જ સમયે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું. તમામ ઇન્ટરનેશનલ ફ્‌લાઇટ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં આનંદે સોશિયલ મીડિયા દ્વારા લખ્યું હતું કે મારા માટે આ કપરો સમય છે. જીવનમાં પહેલી વાર મારી જાતને આઇસોલેટ કરવી પડી છે. હું દરરોજ સવારે ઉઠીને મારી પત્ની અરુણા અને પુત્ર અખિલને વીડિયો કોલ કરું છું. જર્મનીમાં આનંદે પાંચમી મેએ ઓનલાઇન ચેસ નેશન્સ કપમાં ભાગ લીધો હતો.